અમદાવાદ જિલ્લામાં 504 આરોગ્ય ટીમો દ્વારા 3.98 લાખથી વધુ લોકોનો સઘન હેલ્થ સર્વે કરાયો
File Photo
આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને કુલ ૨૫,૯૩૪ ક્લોરીન ટેબ્લેટ્સ તથા ૧,૫૭૨ ઓ.આર.એસ. (ORS) પેકેટ્સનું વિતરણ
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ચોમાસામાં જનઆરોગ્યની સુરક્ષા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ આરોગ્ય વિષયક સ્થિતિ પર સતત નજર રાખીને ત્વરિત સારવાર તેમજ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા
ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતરમાં ૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન જિલ્લાના અસરગ્રસ્ત અને ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ આરોગ્ય વિષયક સ્થિતિ પર સતત નજર રાખીને ત્વરિત સારવાર તેમજ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રચવામાં આવેલી ૫૦૪ જેટલી આરોગ્ય ટીમો દ્વારા આ સમયગાળા દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ૩,૯૮,૪૩૦ થી વધુ વસ્તીનો સઘન હેલ્થ સર્વે કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સ્થળ પર જ આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે હેતુથી વિવિધ તાલુકાઓમાં કુલ ૫૧ મેડિકલ કેમ્પનું આયોજન કરી ૩,૪૭૬ જેટલા દર્દીઓની આરોગ્ય તપાસ કરીને જરૂરી સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી છે.
પાણીજન્ય રોગચાળો અટકાવવા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને કુલ ૨૫,૯૩૪ ક્લોરીન ટેબ્લેટ્સ તથા ૧,૫૭૨ ઓ.આર.એસ. (ORS) પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે ૩,૯૪૧ જેટલા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેથી રોગચાળાના ફેલાવાને પ્રાથમિક તબક્કે જ ડામી શકાય.
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ CDHO શ્રીના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તમામ ૪૬૯ ગામોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદી સ્થિતિમાં કોઈપણ નાગરિકને સ્વાસ્થ્ય સબંધી મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ અને તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે.
