વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી
કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ક્લોરીનેશન, સર્વેલન્સ, ફોગિંગ અને જનજાગૃતિ અભિયાનને અપાયો વેગ
તાજેતરમાં થયેલા વરસાદને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક નિવારક કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્મા તથા જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને રોગચાળા નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરીનેશન, પીવાના પાણીના નમૂનાઓની ચકાસણી, ફોગિંગ તેમજ એન્ટી-લાર્વલ(મચ્છરના પોરાનાશક) દવાનો છંટકાવ સહિતની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
સાથે જ આશા વર્કર્સ, એ.એન.એમ., એમ.પી.એચ.ડબલ્યુ. અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ તાવ, ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના સંભવિત દર્દીઓની ઓળખ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોને ઓ.આર.એસ.ના પેકેટ, ઝિંક ટેબ્લેટ તથા પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીનની ટીકડીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, માત્ર ઉકાળેલું અથવા ક્લોરીનથી શુદ્ધ કરેલું પાણી જ પીવું, હાથ સાબુથી ધોઈ સ્વચ્છતા જાળવવી તેમજ ખુલ્લામાં વેચાતા અને વાસી ખોરાકનો ઉપયોગ ટાળવો.
ઘર તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી, જેથી મચ્છરજન્ય રોગોનું જોખમ ઘટાડી શકાય. તાવ, ઝાડા-ઉલટી, કમળા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)નો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ વિશેષ આરોગ્ય ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકો સ્વચ્છતા જાળવે, સાવચેતીના ઉપાયોનું પાલન કરે અને આરોગ્ય તંત્રને સહકાર આપે તેવો અનુરોધ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
