ધોલેરાના વણિતળાવમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને NDRF યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરીમાં જોતરાયા
ધોલેરા તાલુકાના વણિતળાવ ગામ ખાતે ભોગાવો નદીમાં ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના પરિણામે ગામનો સંપર્ક આસપાસના વિસ્તારો સાથે તૂટી ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપીને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પ્રશાસન તથા NDRF સાથે સંકલન કરીને ગામમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી શકાય.
આ ઉપરાંત, આનંદપુર અને બુરાનપુર ગામ તરફ જતાં એપ્રોચ રોડ ઉપર ભોગાવો નદીનું પાણી ફરી વળતાં પોલીસ દ્વારા માર્ગ બંધ કરાવી જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા કોઈપણ વ્યક્તિ જોખમજનક રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરે, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનો પ્રયાસ ન કરે તથા માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખી પોલીસ અને જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે.
