Western Times News

Gujarati News

સાયબર ફ્રોડમાં હવે ઘરબેઠાં જ નોંધાશે પોલીસ ફરિયાદઃ પહેલા કેસમાં જ 15 લાખ બચાવાયા

ગાંધીનગરઃ સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ અંગે ઈ-ઝીરો એફઆઈઆર સેવાનો પ્રારંભ

(એજન્સી)ગાંધીનગર, સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ ઈ-ઝીરો એફ.આઈ.આર.’ સેવાનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી તાત્કાલિક જે તે વિસ્તારના પોલીસ મથકને તાત્કાલિક ખબર પડી જશે અને તેનાથી ભોગ બનનારના નાણાં પરત મળવાની શક્યતા પણ વધી જશે. પ્રથમ કેસમાં જ સફળતા મળી છે.

આ નવી વ્યવસ્થાના અમલથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં.

•નાગરિકે માત્ર ૧૯૩૦ હેલ્પલાઇન પર પોતાની સાથે થયેલા ફ્રોડની જાણ કરવાની રહેશે.
•ફરિયાદ નોંધાવતાની સાથે જ સિસ્ટમ દ્વારા આપોઆપ ઈ-ઝીરો એફ.આઈ.આર. જનરેટ થઈ જશે.
•આ ઈ-ઝીરો એફ.આઈ.આર. આપોઆપ સંબંધિત પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ આગળની એફ.આઈ.આર. નોંધી તપાસ હાથ ધરશે.
‘ઈ-ઝીરો એફ.આઈ.આર.’ વ્યવસ્થાથી પીડિતોને ઘરબેઠાં જ તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે. પરિણામે, ઘટના બન્યાના ટૂંક સમયમાં જ પોલીસ અને સાયબર ક્રાઈમ ટીમ એક્શનમાં આવશે, જેથી ફ્રોડ થયેલી રકમ હોલ્ડ કે ફ્રીઝ કરાવીને નાગરિકોના પૈસા બચાવવાની શક્યતાઓમાં મોટો વધારો થશે.

આ નવી સિસ્ટમનું એક સફળ ઉદાહરણ પણ સામે આવ્યું છે. અમદાવાદના એક રહેવાસી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલે રાજ્યની પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને પીડિતના ૧૫.૭૬ લાખ રૂપિયાથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.