આંદોલનને કારણે લાઠીચાર્જ ના કરી શકો, વિરોધ એક અધિકાર : સુપ્રીમ
દેખાવો-પ્રદર્શનોને બંધારણનું રક્ષણ મળેલું છે
શાંતિપૂર્વક વિરોધની ના ન પાડી શકાય, પ્રદર્શનો-દેખાવો પર પોલીસની બર્બરતા યોગ્ય નથી ઃ સુપ્રીમની ફટકાર
નવી દિલ્હી,દિલ્હીમાં ૨૦મી જુલાઇના રોજ પોલીસ દ્વારા આંદોલનકારી યુવાનો પર બર્બર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક યુવતીઓ યુવકો ઘાયલ થયા હતા. આ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. મૌખીક અવલોકન કરતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કે આંદોલનને બંધારણનું રક્ષણ મળેલું છે, જો કોઇ માત્ર વિરોધ પ્રદર્શનો કે ધરણા કરતું હોય તો તેનો અર્થ એ નથી તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મૌખીક અવલોકન કરતા કહ્યું હતું કે શાંતિપૂર્વક, કાયદાનું પાલન કરીને વિરોધ પ્રદર્શનો કરવાનો નાગરિકોને અધિકાર બંધારણે આપ્યો છે, જ્યાંસુધી શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા હોય ત્યાં સુધી લાઠીચાર્જ કરવો યોગ્ય નથી. કોઇ પણ શાંતિપૂર્વકના વિરોધ પ્રદર્શનો લાઠીચાર્જ કરવા માટેનું બહાનું ના બની શકે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનોને કેવી રીતે હેન્ડલ કરવા જોઇએ તેના માટે તમામ રાજ્યોની પોલીસ માટે એક સમાન પ્રોટોકોલ લાગુ કરવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું. દિલ્હીમાં જંતર મંતરેથી સંસદ તરફ માર્ચનું આયોજન કરાયું હતું, નીટ સહિતની પરીક્ષાના પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં સુધારો સહિતની માગણીઓ સાથે યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. જોકે વચ્ચે જ પોલીસ દ્વારા તેમને રોકી લેવાયા અને ભારે લાઠીચાર્જ કરાયો, આંસુ ગેસનું શેલિંગ કરાયું હતું. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ થઇ છે. આ બન્ને અરજીઓ વિદ્યાર્થીઓના તરફેણમાં જ્યારે એક અરજી વધુ ઉમેરાઇ છે જે ઘાયલ પોલીસના પરિવારની છે. આ તમામ અરજીઓની એક સાથે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે.
બિહારમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ દ્વારા એકે-૪૭ રાઇફલનો ઉપયોગ કરાયો હતો, જેનાથી વિદ્યાર્થીઓ સામે ગોળીબાર કરતા એક પોલીસકર્મી જોવા મળ્યો હતો, આ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટનું સોમવારે ધ્યાન દોરવામાં આવ્યું હતું.આ તમામ દલીલોની નોંધ લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે ઘાયલ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ બન્ને તરફની અરજીઓની સુનાવણી કરીશું, વિરોધ પ્રદર્શનોમાં પોલીસ પ્રશાસન માટે એક સમાન પ્રોટોકોલ હોવો જોઇએ, પ્રદર્શનકારીઓ માટે યોગ્ય જગ્યા ફાળવવી જોઇએ અને કોઇ પણ પ્રકારના પ્રતિબંધો ના હોવા જોઇએ, જો કોઇ અસામાજિક તત્વો હોય તો તેની કાળજી રાખી શકાય, આ સવાલ માત્ર દિલ્હીનો નહીં સમગ્ર દેશનો છે. નાગરિકોને શાંતિથી વિરોધ પ્રદર્શનો કરવાનો બંધારણીય અધિકાર છે જેની ના ન પાડી શકાય.SS1
