પગનું હાડકું તૂટતાં ડોક્ટરે કરી નાખી હાર્ટની સર્જરી !! મહિલાનું મોત
પાણીપતની એક હોસ્પિટલમાં ગંભીર તબીબી બેદરકારીનો આરોપ
માર્ગ અકસ્માતમાં પગ તૂટ્યા બાદ દાખલ થયેલી એક મહિલાની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી
હરિયાણા,હરિયાણાના પાણીપતમાં કથિત તબીબી બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માર્ગ અકસ્માતમાં પગનું હાડકું તૂટતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલી મહિલાનું પરિવારને જાણ કર્યા વિના હૃદયનું ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ સામે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલના ડોક્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી મહિલાઆ ઘટના પાણીપતના જીટી રોડ પર આવેલી પાર્ક હોસ્પિટલની હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના કાશીપુર ગામના રહેવાસી કુલદીપ પોતાના પરિવાર સાથે પાણીપતના રમેશ નગર વિસ્તારમાં રહે છે.
કુલદીપના જણાવ્યા અનુસાર, તેમની માતા ગુડ્ડી દેવી ૨૪ જુલાઈના રોજ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માતમાં તેમનો પગ તૂટી ગયો હોવાથી તેમને સારવાર માટે પાર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારનો દાવો છે કે ડોક્ટરોએ માત્ર પગની સારવાર કરવાની ખાતરી આપી હતી.પરિવારે આરોપ લગાવ્યો છે કે બીજા જ દિવસે ૨૫ જુલાઈએ હોસ્પિટલના તબીબોએ તેમની મંજૂરી કે જાણ કર્યા વિના મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરીને હૃદયમાં સ્ટેન્ટ મૂક્યું હતું. પરિવારનું કહેવું છે કે આ સર્જરી માટે તેમની લેખિત સંમતિ લેવામાં આવી નહોતી.ફરિયાદમાં એવો પણ આરોપ છે કે હોસ્પિટલ દ્વારા સંમતિપત્ર પર પરિવારની નકલી સહી કરવામાં આવી હતી.
પરિવારનું કહેવું છે કે બિનજરૂરી તબીબી પ્રક્રિયાને કારણે મહિલાની તબિયત વધુ બગડી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.માતાના અવસાન બાદ પરિવાર શોકમાં ગરકાવ છે. પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે મહિલા માત્ર પગની ઈજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેમની પર હૃદયની સર્જરી શા માટે કરવામાં આવી?પરિવારનો આરોપ છે કે જ્યારે તેમણે સારવાર અને ઓપરેશન અંગે હોસ્પિટલ પ્રશાસન પાસે સ્પષ્ટતા માગી, ત્યારે જવાબદારોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું. ફરિયાદ અનુસાર હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું હતું કે, તમારે જે કરવું હોય તે કરો, અમને કોઈ ફરક પડતો નથી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ આ કેસમાં તબીબી બેદરકારી અને અન્ય આરોપોની હકીકત સ્પષ્ટ થશે.SS1
