Western Times News

Gujarati News

નેપાળમાં ૧૦ વર્ષ બાદ ભારતની રૂ.૨૦૦ અને રૂ.૫૦૦ની નોટોને મંજૂરી અપાઈ

૨૦૧૬માં નોટબંધી બાદ ભારતની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકાયો હતો

ભારત મુલાકાત દરમિયાન નેપાળી નાગરિકો માટે નેશનલ આઈડેન્ટિટી કાર્ડને માન્ય રાખવા નેપાળે માગણી કરી

કાઠમંડુ, નેપાળે ભારતીય અને નેપાળી નાગરિકોને ૨૦૦ અને ૫૦૦ની ભારતીય ચલણી નોટો લઈને નેપાળમાં પ્રવેશવા અથવા ત્યાંથી બહાર જવાની મંજૂરી આપી છે. આ નિર્ણય સાથે લગભગ દસ વર્ષથી લાગુ રહેલો પ્રતિબંધ સમાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતે ૨૦૧૬માં નોટબંધીનો નિર્ણય લીધો ત્યારે નેપાળ સરકારે ભારતની ફક્ત રૂ. ૧૦૦ની નોટને જ સ્વીકારવાની મંજૂરી આપી અન્ય રકમની ચલણી નોટો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા ગુરુવારે ફરીથી જાહેર કરાયેલી સૂચના મુજબ, ભારતીય અને નેપાળી નાગરિકો ૯ નવેમ્બર, ૨૦૧૬ પછી જારી થયેલી ૨૦૦ અને ૫૦૦ની ભારતીય નોટો પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ ૨૫,૦૦૦ સુધી વર્તમાન નિયમો અનુસાર લઈ જઈ શકે છે.

જરૂરી નિયમો બનાવ્યા બાદ આ જોગવાઈઓ ૧૧ ફેબ્›આરીએ નેપાળ ગેઝેટમાં પ્રકાશિત સૂચના દ્વારા પહેલેથી જ અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, નિયમોની સ્પષ્ટતા અને તેના અમલ ઉપર ફરીથી ભાર મૂકવા માટે NRB આ સૂચના પુનઃ જાહેર કરી છે.નવા નિયમોની સ્પષ્ટતા કરતાં NRB પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે શનિવારે જણાવ્યું કે નેપાળી નાગરિકો ભારત સિવાયના અન્ય કોઈ દેશમાંથી ભારતીય ચલણ નેપાળમાં લાવી શકશે નહીં. તે જ રીતે, તેઓ ભારત સિવાયના ત્રીજા દેશમાં નેપાળમાંથી ભારતીય ચલણ લઈ જઈ શકશે નહીં. તેમણે જણાવ્યું કે સુધારેલી જોગવાઈથી નેપાળની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓ તેમજ ભારત સાથે વેપાર અને વ્યવસાય કરતા નેપાળી નાગરિકોને સુવિધા મળશે.

ભારત મુલાકાત દરમિયાન નેપાળી નાગરિકો માટે નેશનલ આઈડેન્ટિટી કાર્ડને માન્ય રાખવા નેપાળે માગણી કરી છે. વર્તમાનમાં સિટીઝનશિપ સર્ટિફિકેટ અને પાસપોર્ટને માન્યતા અપાયેલી છે. નેપાળ સરકારના ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા આ અંગેની સત્તાવાર દરખાસ્ત ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.