Western Times News

Gujarati News

રાષ્‍ટ્રહિત માટે સમર્પિત એવા શ્રી મોરારજીભાઇ દેસાઇની જીવન યાત્રા

(ખાસ લેખ – વૈશાલી જે. પરમાર)   સત્તાના માધ્‍યમથી અથવા સત્તા ત્‍યાગીને પણ જનસેવાને લક્ષ્ય બનાવી શ્રી મોરારજીભાઇએ તેમની સંઘર્ષયાત્રાને જારી રાખી. વહીવટી કર્તા તરીકેની જવાબદારી, તુલનાત્‍મક અભ્‍યાસ, નિર્ણયો લેવાની ત્‍વરિત શકિત, તે નિર્ણયો કુશળતાપૂર્વક અમલમાં મૂકવાની નિર્ભયતા અને આત્‍મબળ આવા ઉચ્‍ચ્‍ગુણોને પરિણામે મોરારજીભાઇ સરકારી અમલદારોમાં જુદા તરી આવતા.

૧૨ વર્ષ સુધી ડેપ્‍યુટી કલેકટર તરીકે રહયા. પરંતુ એક નિર્મોહીની માફક ૩૦-૪૦ વર્ષની કારકિર્દીમાં જે સામાન્‍ય અમલદારોથી ન બની શકે તેવા કામો કરી બતાવ્‍યા. સરકારી કામ ઉપરાંત સહકારી કામોમાં પણ ખુબ રસ હતો. તેઓ માનતા હતા કે, સહકારી પ્રવૃતિઓ સેવા કરવા માટે છે. ઉડાઉ જલસાઓ કરવા માટે નથી. સહકારી પ્રવૃતિઓ તો સમયસર, સાદાઇ અને સચ્‍ચાઇથી ચાલવી જોઇએ, તેમાં ભભકાને, મોટાઇને કે ઉડાઉપણાને સ્‍થાન નથી આ સિધ્‍ધાંત મોરારજીભાઇએ સ્‍પષ્‍ટ અને મક્કમ રીતે ઉચ્‍ચાર્યા.

પરંતું સહકર્મચારીઓ પણ આવા જ ગુણોવાળા હોય તે જરૂરી નથી હોતું. તેઓની સાદાઇ અને કાર્યપ્રણાલી અન્‍ય માટે અવરોધ બનવા લાગી અને તેઓ સાથે મોરારજીભાઇને કળવા-માઠા અનુભવો થવા લાગ્‍યા. નોકરી દ્વારા જનસેવાનો આદર્શ સિધ્‍ધ થઇ શકે એમ નથી તેની એકને દ્રઢ ખાત્રી પણ થઇ ચુકી. જનસેવા માટે તો સ્‍વતંત્ર જીવન જ હોવું જોઇએ. ‘જનસેવા કરવી હોય તો નોકરી ફગાવી દે અને સ્‍વાતંત્ર્ય સંગ્રામનો સંનિક બની જા’- આ આત્‍મનાદ તેમના મનમાં જાગી ચુકયો હતો. મહાત્‍મા ગાંધીના ગુણોનું આકર્ષણ પણ ખરું.

સરકારી નોકરીના સુવર્ણના બંધનોની સાંકળ મોરારજીભાઇએ તોડી નાંખી. ઇ.૧૯૩૦માં નોકરીનું રાજીનામું મોકલી આપ્‍યું. કુંટુંબ અને મિત્રોમાં હાહાકાર મચી ગયો. મોરારજીભાઇઅએ જયારે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્‍યું ત્‍યારે બધાને થયું કે નિヘતિ આશાસ્‍પદ સરકારી નોકરી છોડીને તેઓ ભારે ભુલ કરી રહ્યા છે. તેમનો નિર્ણય પાછો લેવા ઘણા પ્રયત્‍નો કર્યા પરંતુ મોરારજીભાઇ પોતાના નિર્ણયમાં અવિચળ રહ્યા. તેઓ દેશસેવા કરવાનો મક્કમ નિર્ધાર કરી ચૂકયા હતા. ફનાગીરીના પંથ પર આગેકૂચ કરનારને કોણ રોકી શકે?

દેશ સેવાનો માર્ગ શૂરવીરોનો છે. એમાં કાયરનું કામ નથી. લાખો નિરાશાઓ વચ્‍ચેથી સ્‍વતંત્રતાનો માર્ગ કાઢવાનું કામ અતિશય કપરું છે. સ્‍વરાજયને માટે આપણા દેશબંધુઓએ સુખ સગવડ, સ્‍વજનો, સ્‍નેહીઓ, નોકરી-ધંધાનો ત્‍યાગ કર્યો. જેમાં એક નામ મોરારજીભાઇનું પણ હતું. મોરારજીભાઇને જે જોઇતું હતું તે મેળવ્‍યું-જનતાની સેવા કરવાની તક અને સ્‍વતંત્ર જીવન.

ગુજરાત કોગ્રેસનું વડું મથક અમદાવાદઃ સાબરમતી આશ્રમમાં મહાત્‍મા ગાંધીજીનો આશ્રમ. સરદાર વલ્લભભાઇ જેવા મહાન નેતાની કર્મભૂમિ. મોરારજીભાઇએ પણ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી. મોરારજીભાઇની શકિતઓનો ખ્‍યાલ સરદારશ્રીને આવી ગયો. બે ત્રણ માસમાં જ તેઓની નિમણુંક ગુજરાત પ્રાંતિક કોગ્રેસ સમિતિના મંત્રી તરીકે કરી.

મોરારજીભાઇના ઉચ્‍ચ સરકારી નોકરીના ત્‍યાગને કારણે ગુજરાતમાં તેઓનું નામ ત્‍યાગમુર્તિ તરીકે જાણીતું થયું. આદર્શને ખાતર સર્વસ્‍વનો ભોગ આપનાર દેશસેવક તરીકે એમની ગણતરી થવા લાગી. જાહેરજીવનના વિશાળ ક્ષેત્રે તેઓની આંતરીક શકિતઓનો વિકાસ કરવાની ઉત્તમ તકો પુરી પાડી. જાહેર કારકિર્દીમાં સર્વ પ્રથમ ભાષણ સૂરતમાં આપ્‍યું.

તેઓએ આ સભામાં કયું-‘—- હું સરકારી નોકરી કરતો હતો, ત્‍યારે મને લાગતું હતું કે, હું ખોટે માર્ગે છું. હું ભાનભુલ્‍યો છું અને મારા આંખના પડળ સદભાગ્‍યે ગાંધીજીએ સત્‍યાગ્રહ સંગ્રામથી ઉઘડયાં. ને તરત જ મેં મારા જીવનનો માર્ગ નકકી કરી લીધો. સરકારી નોકરી દ્વારા જનસેવા કરવાની મારી અભિલાષા હતી,  પણ તેમાં મને પૂરેપૂરી નિષ્‍ફળતા સાંપડી. આથી જ સરકારી નોકરી દ્વારા મારા ને જનસેવાની અભિલાષા અધુરી રહી હતી તે પૂર્ણ કરવા હું અહિ આવ્‍યો છું.’

ઇ.સ.૧૯૩૦માં જ હિન્‍દી સંરક્ષણધારા હેઠળ તેઓની ધરપકડ કરવામાં આવી અને સાબરમતી જેલમાં રાખવામાં આવ્‍યા. મોરારજીભાઇનો આ પ્રથમ જેલવાસ.

મીઠું બંધ, ખાંડ બંધ, ચા-કોફીનો ત્‍યાગ, સુંવાળી પથારીનો ત્‍યાગ, જનોઇનો પણ ત્‍યાગ કર્યો. મહાત્‍મા ગાંધીના અનન્‍ય ભકત તરીકે જાતે જ પોતાના વાળ કાપવાનો પ્રયોગ પણ કર્યા. જેલવાસની ગુફામાં બેસી આ દેશભકત સાધુઓ આત્‍મઘડતર અને જીવનઘડતર માટે અનેક ત્‍યાગ, સંયમ, અને યાતના વેઠવાના પ્રયોગો પોતાની જાત સાથે કર્યા. જેલજીવનની ભઠ્ઠીમાં તપીને પણ જીવનનાં સો ટચના સુવર્ણની આકરી કસોટી કરી. ઇ.સ.૧૯૩૦, થી કારાવાસની યાત્રાનો આરંભ થયો તે ૧૯૩૧, ૩૨, ૪૦, ૪૨ મળી કુલ સાત વરસોનો રહ્યો. છેલ્લે ૧૯૭૫માં જેલજીવનનો એકાંતવાસ વેઠયો.

કોંગ્રેસે ઇ.સ.૧૯૩૭માં પ્રાંતિક સ્‍વરાજ માટે ચૂટણીમાં ઊભા રહેવાનો નિર્ણય લીધો. કોંગ્રેસના આદેશને માન આપવા તેઓ ચૂટણીમાં ઊભા રહયા, ચૂંટાયા અને પ્રધાનમંડળમાં મહેસૂલ ખાતામાં ઊંચા અને ગૌરવભર્યા સ્‍થાને પહોંચ્‍યા. દારૂબંધી, ગણોતધારો, રૂણરાહત વગેરે અમલમાં મુકયા. ઇ.સ.૧૯૪૨માં ‘કરો યા મરો’, ‘હિંદ છોડો’ લડત શરૂ થઇ તેમાં પણ પ્રથમથી જ ઝડપાયા. દેશના અનેક શૂરવીરોના અનેક બલિદાનોના પ્રતાપે ઇ.સ૧૯૪૭માં ભારત સ્‍વતંત્ર થયું.

જનહિત માટે સતત ઝઝુમનારા, સિધ્‍ધાંતો પરત્‍વે અડગ રહેનારા અને રાષ્‍ટ્રહિત માટે સમર્પિત એવા શ્રી મોરારજીભાઇ દેસાઇના જીવન યાત્રાની વધુ વાતો આવતી કાલે….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.