Western Times News

Gujarati News

ONGC નો કોન્ટ્રાક્ટ ચલાવતી કંપની કર્મીઓને ત્રીજા ભાગનો પગાર આપતા ફરીયાદ

File

અમદાવાદ: ઓએનજીસીના કોન્ટ્રાક્ટ લઈ કામ કરતી એક ખાનગી કંપની દ્વારા કર્મચારીનાં બેંક ડોક્યુમેન્ટ જબરદસ્તીથી લઈ લીધા બાદ કર્મીને ત્રીજા ભાગનો પગાર ચૂકવીને બાકીનો પગાર ચાંઉ કરવાનો આક્ષેપ કરતી ફરીયાદ ચાંદખેડા પોલીસને મળતા ચકચાર મચી છે. ફરીયાદી ઋત્વીક કિરણભાઈ જાદવ (૨૧) બળદેવનગર મોટેરા રોડ ચાંદખેડા ખાતે રહે અને સહજાનંદ ટ્રાવેલ્સ નામની કંપનીમા કલીનર તરીકે નોકરી કરે છે રૂપાલીબેન મૌર્ય તથા તેમના પતિ રાજુ ઉર્ફે માર્સલ મૌર્ય આ કંપનીના વહીવટી કાર્ય સભાળે છે જ્યારે નોકરીની વહેચણીનું કામ તેમના સુપર વાઈઝર નવાઝ કુરેશી કરે છે.

ઋત્વીકભાઈ આક્ષેપ કર્યો છે કે જે બેંક એકાઉન્ટમાં ઓએનજીસી દ્વારા તેમના પગાર જમા કરવામાં આવે છે તેના પાસબુકમાં એટીએમ અને ચેકબુક બળજબરી પૂર્વક રૂપાલીબેને સાત મહીના અગાઉ લઈ લીધી હતા. ઓએનજીસી તેમને રૂપિયા ૨૩ હજાર પગાર પેટે ચુકવતી હોવા છતા રૂપાલીબેન તેમને ફક્ત સાત હજાર રૂપિયા આપીને બાકીની રકમ પોતે ચાંઉ કરી જતા હતા. રૂપાલી અને તેનો પતિ રાજુ અન્ય કર્મચારીઓ સાથે પણ આવી જ વર્તન કરીને તેમનો પગાર પણ છીનવી લેતા હોવાનો આક્ષેપ ઋત્વીકભાઈએ દંપતી પર લગાવ્યો છે.

ફરીયાદમાં વધુમાં તેમણે જણાવ્યુ છે કે અગાઉ વિષ્ણુભાઈ રાવળ, મેહુલ સોલંકી તેમજ અન્ય કર્મચારીઓએ આ બાબતનો વિરોધ કરતા તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા હતા આ અંગે ઋત્વીકભાઈએ પણ પોતાનો અવાજ ઉઠાવતા રૂપાલી અને રાજુએ તેને નોકરી કરવી હોય તો અમે કહીએ તેમ કરવાની અને આપીને એ પગાર લેવાનો નહી તો ક્યાંયના નહી રહેવા દઈએ તેમ ધમકીઓ આપી હતી.

ઉપરાંત ઋત્વીકભાઈએ ચેક ઉપર સહીઓ કરવાની ના પાડતાં તેમને તથા તેમના પિતાને નોકરીમાંથી કાઢી મુકવામાં ધમકીઓ આપી હતી આ અંગે કર્મચારીઓ એકત્ર થઈને ઓએનજીસીના લોજીસ્ટીક હેડ સમક્ષ રજૂઆત કરતાં તેમણે પણ આંખ આડા કાન કર્યા હતા. જેથી ઓએનજીસીના કર્મચારીઓની સંડોવણી પણ હોવાની શંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ ઋત્વીકભાઈએ મોતના કામદાર નેતાને સમગ્ર વાત કર્યા બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનને દંપતી તથા તેમના સુપરવાઈઝર એમ ત્રણેય વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.