Western Times News

Gujarati News

કપરાડા તાલુકામાં આંગણવાડીના બાળકોને પ્રવૃત્તિમય રાખવા રમતગમતની પુસ્‍તિકાઓનું વિતરણ

(આલેખન- વૈશાલી જે. પરમાર)  માહિતી બ્‍યૂરો, વલસાડ, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સૌ પ્રથમ કાર્ય છે પોતાના ઘરે જ રહીને રોગથી બચવું. પરંતું લોકડાઉન અને કોરોના વાયરસ વિશે નાના ભુલકાઓને કઇ રીતે સમજાવવા. માતાપિતા માટે બાળકોને ઘરની બહાર જતા રોકવા મુશ્‍કેલ થઇ જાય છે.

અને અંતે બાળકોની જીદ સામે માતાપિતા હારી જતા હોય છે. પરંતું કોરોના વાયરસ કયા સમયે આપણા ઘર કે ગલી સુધી પહોચે અને આપણા બાળકો તેનો ભોગ બને તેવી ચિંતા માતાપિતા સતત અનુભવતા હોય છે. તેથી કયારેક બાળકને જબરજસ્‍તી ઘરમાં રાખવામાં આવે છે. જેના કારણે બાળકો કેટલીક વાર મૂંઝાય કે ચીડાય છે. પરંતું કોમળ મનના બાળકોને આ પરિસ્‍થિતિમાં વધુ સમય રાખવા યોગ્‍ય નથી અને બાળકો કોઇ પ્રવૃતિમાં પરોવાયેલા હોય તો બહાર જવાની જીદ આપમેળે ન કરે તેવા સદવિચાર સાથે વલસાડ જિલ્લાના આંગણવાડી કેન્‍દ્રો દ્વારા એક પહેલ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોના ઘરે-ઘરે જઇને પુસ્‍તિકાઓનું વિતરણ કરવામાં આવ્‍યું છે. બાળકોને પ્રવૃત્તિમય રાખવા માટે તેમની ઉંમર પ્રમાણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવવા માટે રમતગમત ભાગ ૧ અને ભાગ ૨ની પુસ્‍તિકાઓ આપવામાં આવી છે. બાળકોના ઘરે-ઘરે જઇને વિતરણ કરી કોઇપણ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિથી વંચિત ના રહી જાય તે પ્રકારની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાની કુલ ૧૮૯૯ આંગણવાડીના તમામ બાળકોને પુસ્‍તકનું વિતરણ કરવામાં આવ્‍યું છે.

નવા-નવા પુસ્‍તકો મેળવી બાળકો હર્ષ ઉલ્લાસથી ખીલી ઉઠયા છે. પુસ્‍તકમાં વિવિધ રમતો, કવિતાઓ, ચિત્રકામ અને ભણતરને લગતા પાઠ આપવામાં આવ્‍યા છે. જેમાં રમતા-રકતા બાળકો શીખ મેળવે છે. આ પુસ્‍તકો માતાપિતા વહાલથી બાળકોને શીખવે છે. તેઓની સાથે રમતો રમી પોતાના બાળપણની યાદને જીવંત કરે છે. અને આ સાથે બાળકોનું મન પુસ્‍તકમાં જ વ્‍યસ્‍ત રહે છે. જેથી માતાપિતા પણ ચિંતા મુકત થઇ હળવાશ અનુભવે છે. ઉપરાંત બાળકોમાં નાનપણથી પુસ્‍તકોને મિત્રો તરીકે અનુભવ કરી ભણતરમાં રસ દાખવતું થાય છે.

કપરાડા તાલુકાના કાકડકોપર ગામની રોયકુમાર અશોકભાઇ વરંડાની માતા નીતાબેન જણાવે છે કે, આટલા લાંબાગાળાના સમયગાળા દરમિયાન બાળકોની આંગણવાડી કેન્‍દ્રો પણ બંધ રાખવામાં આવી ત્‍યારે ચિંતા હતી કે બાળકો આટલા લાંબા સમય માટે ભણતરથી અળગા રહેશે અને લોકડાઉન પૂર્ણ થયા બાદ તેઓને ફરીથી આંગણવાડીમાં મોકલવું મુશ્‍કેલ થશે. પરંતું આંગણવાડીની બહેનો દ્વારા પુસ્‍તકો આપીની અમારી મુંઝવણો દુર કરી છે. કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામના દિનેશભાઇ પટેલ જણાવે છે કે, મારી બાળકી સાથે આટલો સમય વિતાવવા મળે છે. તેથી હું ખુબ ખુશ છું વળી તેની અવનવી રમતો રમતા ભણાવવાની પણ મઝા લઉં છું આ સમય મારી દિકરી સાથેનો યાદગાર સમય છે.

કપરાડા તાલુકાની આંગણવાણીની બહેનો દ્વારા વિતરણની સાથે કોરોના વાયરસ સંદર્ભે પણ જરૂરી માર્ગદર્શન, સાવચેતી બાબતે પણ ઘરે-ઘર જાગૃતતા લાવવામાં આવી રહી છે. ગામડામાં આ પ્રકારની જાગૃતતા લાવવી ઉત્તમ બાબત છે. નાના પાયે કામ કરવા છતા તેઓના કામગીરીની અસર મોટા પ્રમાણમાં જોઇ શકાય છે આવી બહેનોની કાર્ય નિષ્‍ઠાની સરાહના કરવી અનિવાર્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.