Western Times News

Gujarati News

મણિનગરમાં ઢોર પકડવા ગયેલ ટીમ પર માલધારીઓનો હુમલો

હુમલામાં એસઆરપી જવાન સહિત ત્રણને ઇજા
અમદાવાદ,  અમદાવાદ શહેરના મણિનગરમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર માલધારી સમાજે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ હુમલામાં એક એસઆરપી જવાન સહિત ત્રણ કર્મચારીઓને ઇજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો થયાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત એસઆરપી જવાને સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ શહેરના મણિનગર વિસ્તારના હીરાભાઈ ટાવર પાસે ઢોર પકડવા ગઇ હતી. એ દરમ્યાન ગાયને પકડવા જતા ઢોર પાર્ટી પર સ્થાનિક માલધારીઓ દ્વારા ગંભીર અને જીવલણે હુમલો કરવામાં આવ્યો હતો. માલધારી સમાજના લોકોએ અમ્યુકોની ટીમ સાથે સુરક્ષામાં સાથે રહેલા એસઆરપી જવાનનો યુનિફોર્મ પણ ફાડી નાંખ્યો હતો.

તો, સેનેટરી ઇન્સ્પેક્ટરને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બધાને માર માર્યો હતો. આ સમગ્ર હુમલામાં ત્રણ કર્મચારીઓને ઇજા પહોંચી હતી, તેઓને નજીકની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એસઆરપી જવાને વિધિવત્‌ ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.  ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ઓઢવ સહિત અનેક સ્થળોએ ઢોર પકડવા જતી ટીમ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. માલધારીઓ દ્વારા આ પ્રકારે ખુલ્લેઆમ કાયદો હાથમાં લઇ અમ્યુકો-પોલીસના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાય છે તે વાત ઘણી ગંભીર કહી શકાય.

અમ્યુકો અને પોલીસ સત્તાવાળાઓ દ્વારા હવે આ સમગ્ર મામલે આવા તોફાની અને હુમલાખોર તત્વો વધુ આકરી કાર્યવાહી અને પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.