Western Times News

Gujarati News

સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે

 ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે
 રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસની સાથે ડિસ્ચાર્જનો આંક ૨૧૯ એ પહોંચ્યો : છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો
.. .. .. ..
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના એસિમ્પ્ટોમેટિક કે ખૂબજ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMR ની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ -૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

ડો. રવિએ રાજ્યમાં નવા પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, આજે રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસ આવ્યા છે. તેની સાથે જ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે જતા દર્દીઓની સંખ્યાનો આંક ૨૧૯ એ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ૧૫ દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો થયો છે, જે ખૂબ જ હકારાત્મક અને પરિણામલક્ષી બાબત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૦૯,૬૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૭૭૯૭ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૫૨૧૦ દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે જ્યારે ૨૪ દર્દીઓ ક્રિટિકલ સ્ટેજ પર છે. અત્યાર સુધી કુલ ૨૦૯૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.