Western Times News

Gujarati News

સાત માસના ગર્ભ સાથે નર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મોરબીના પુનમબેન જોષી

મોરબીના વીસીપરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા, બાળકોને રસી આપવી તેમજ કોરોન્ટાઇન કરેલ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવાની ફરજ અદા કરતાં નર્સ પુનમબેન જોષી

સમગ્ર દેશ ઘરમાં બેઠો છે ત્યારે મને રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો છે તે મારા માટે ખુશીનો મોકો છે……. મોરબીના વીસીપરામાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી

સંકલનઃ- ઘનશ્યામ પેડવા,  (સહાયક માહિતી નિયામક, મોરબી)
સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ વર્તી રહ્યો છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે.

પોતાને ૭ માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત પુનમબેન જોષી જણાવે છે કે, ભલે હું અત્યારે પ્રેગનન્ટ હોઉ અને પેટમાં સાત માસનો ગર્ભ હોય પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મને અનેરો આનંદ મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે.

પુનમબેન જોષીની ફરજપરસ્તી જોઇને અહીંના સ્થાનિકો જણાવે છે કે કોરોના સંક્રમણના કપરા સમયે પણ આવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે. પોતાને ૭ માસનો ગર્ભ હોવા છતાં પણ પોતાની ચિંતા કર્યા વગર નર્સ તરીકે મોરબીની વીસીપરામાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પુનમબેન જોષી હોસ્પિટલમાં સર્ગભા મહિલાઓની સમયસર નોંધણી, હોસ્પિટલમાં માતા અને બાળકની સંભાળ, ચિરંજીવી યોજના સહિત બાળકોને રસી આપવાની અને મમતા કાર્ડની નિભાવણી જેવી કામગીરી કરી રહ્યા છે.

પુનમબેન જોષી જેવા મોરબીમાં અન્ય દસ મહિલાઓ પોતે પ્રેગનન્ટ હોવા છતાં પણ આવા સમયે આ આરોગ્ય સેવાર્થીઓ એ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના માનવજાતની સુરક્ષા માટેનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે દયાની દેવી ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મ જયંતીના ૧૨મી મેના આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સિંગનામાધ્યમથી કોરોના સામે લડી રહેલા અગ્રીમ હરોળની યોદ્ધા એવી નર્સ સાથે વાત કરી તેમની સેવાઓને બિરદાવી હતી. પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરતાં પુનમબેન જોષી જેવા અનેક નર્સીંગ સ્ટાફ અને કોરોના વોરીયર્સને લાખો સલામ…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.