Western Times News

Latest News in Gujarat

રેડઝોનની પરિસ્થિતિ:ઈસનપુર-બાપુનગરમાં કોરોના સંક્રમણ વધ્યુ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશમાં ૧૮મી મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે વેપારી-ધંધામાં શરૂ કરવા નિયમોને આધીન છૂટછાટ આપી છે. જેમાં કન્ટેઈન્મેન્ટ અને નોન-કન્ટેઈન્મેટ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમમાં વહેંચીને છૂટછાટ આપવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે. તેમજ ઈસનપુર સહિતના વિસ્તારોને રેડઝોન જાહેર કરવા માટે કોગ્રેસ પાર્ટીર્એ માંગણી કરી છે.
અમદાવાદ શહેરમાં પ્રથમ લોકડાઉનની શરૂઆત થઈ તે સમયે જમાલપુર અને દરિયાપુર એમ બે જ વિસ્તાર કોરોના હોટ સ્પોટ હતા. ત્યારબાદ તેમાં બહેરામપુરા, દાણીલીમડા, અસારવા, શાહિબાગ, અને ખાડીયાનો પણ સમાવેશ થયો હતો. લોકડાઉનના ત્રીજા તબક્કા દરમ્યાન મણીનગર, ગોમતીપુર અને સરસપુરને પણ રેડઝોન જાહેર કરવાની તંત્રને ફરજ પડી હતી. આમ, લોકડાઉનના ત્રણ તબક્કા દરમ્યાન શહેરના દસ વોર્ડછ રેડઝોન બની ગયા હતા. તંત્રની નિષ્ફળતાના કારણે કેસ વધ્યા હોવાના પણ સમયાંત્તરે આક્ષેપ થઈ રહ્યા છે. ચોથા લોકડાઉનની શરૂઆત સાથે જ રાજ્ય સરકારે નાગરીકો અને વેપારીઓને રાહત આપવા માટે છુટછાટો આપી છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશને દસ વોર્ડ અને ગુલબાઈ ટેકરા વિસ્તારને મળી કુલ ૧૧ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે તેમ છતાં વેપાર-ધંધા માટે પૂર્વ-પશ્ચિમને જ મહ¥વ આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર પૂર્વ વિસ્તાર એટલે કે ચાર ઝોનના ૩૦ વોર્ડને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. પરંતુ ઈસનપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતાં આ વિસ્તારોને રેડઝોન જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે આ વિસ્તારો વધુ ભયજનક બની રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર ર૧મીએ સવારે ૧ર વાગ્યા સુધીના રીપોર્ટ મુજબ ઈસનપુર વોર્ડમાં કુલ ૩૧૩ કેસ નોંધાયા હતા. જ્યારે ર૧મી સાંજે વધુ ૦૬ કેસ કન્ફર્મ થતા કુલ કેસની સંખ્યા ૩૧૯ (સુપર સ્પ્રેડર સાથે) થઈ ગઈ છે. ઈસનપુર વોર્ડમાં વિશાલનગર અને ધ્વનિ હાઈટ્‌સ કોરોનાના હાઈરીસ્ક પોકેટ બની ગયા છે. ગત સપ્તાહ દરમ્યાન ઈસનપુરમાં એેક જ દિવસમાં ૪૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી ર૧ કેસ વિશાલનગરમાં કન્ફર્મ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને તે સમયે વોર્ડને રેડઝોન જાહેર કર્યો નહોતો. તેમજ ગામ તરફના રસ્તા બંધ કર્યા હતા. પરંતુ મુખ્ય રોડ ખુલ્લા રાખ્યા હોવાથી છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની દુકાનો ખુલવા લાગી છે. રાજ્ય સરકારે જે દુકાનો શરૂ કરવા જાહેરાત કરી નથી એવા ધધાની દુકાનો પણ શરૂ થઈ હોવાનું સ્થાનિક નાગરીકો જણાવી રહ્યા છે. જેના કારણે ર૧મી મે એ ઈસનપુરમાં ર૬ કેસ નોંધાયા હતા.

ઈસનપુર અને મણીનગર વોર્ડ સાથે સાથે આવ્યા છે. તેથી મણીનગરના નાગરીકોની ઈસનપુરમાં સહેલાઈથી અવરજવર થઈ શકે છે ે મણીનગરમાં ૪૧પ કેસ નોંધાયા બાદ તંત્ર આજે હરકતમાં આવી ગયુ છે તેમજ મણીનગર, ઈસનપુર અને ખોખરા તરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે ચંડોળા તળાવ અને વિશાલનગરની બોર્ડર દાણીલીમડા સાથે સંકળાયેલી છે. જેના કારણે પણ ઈસનપુરમાં કેસ વધી રહ્યા છે. કોંગી અગ્રણી રાજેશ સોનીના જણાવ્યા અનુસાર ઈસનપુરને રેડ ઝોન જાહેર કરવામાં નહીં આવે તો તેની સાથે સંકળાયેલા લાંભા વોર્ડ પણ હોટ સ્પોટ બની શકે છે. લાંભામાં અત્યાર સુધી ૧ર૯ કેસ જ નોંધાયા છે. જ્યારે ઈન્દ્રપુરી વોર્ડમાં માત્ર ૭પ કેસ જ કન્ફર્મ થયા છે. તેથી ઈસનપુરને વહેલી તકે રેડઝોન જાહેર કરી નિયમ મુજબ કાર્યવાહી થાય એ જરૂરી છે.

શહેરના પૂર્વ પટ્ટામાં બાપુનગર વોર્ડની સ્થિતિ પણ કફોડી છે. બાપુનગરમાં કોરોનાના ર૮૯ કેસ નોંધાયા છે. તેમ છતાં તેને રેડઝોન જાહેર કરવામાં આવ્યો નથી .તેની બાજુમાં આવેલા ઈન્ડીયા કોલોની વોર્ડમાં માત્ર ૮૮ વોર્ડ જ નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનના કુબેરનગર અને નરોડા વોર્ડ પણ હોટસ્પોટ બની રહ્યા છે. ઝોનના કુબેરનગર વોર્ડમાં ર૩૪ અને નરોડામાં ૧૬૩ પોઝીટીવ કેસ જાહેર થયા છે. જ્યારે આ વોર્ડની સાથે સંકળાયેલા સરદારનગર વોર્ડમાં કોરોનાના પ૮ કેસ કન્ફર્મ થયા છે. રાજય સરકારે પૂર્વ-પશ્ચિમ એમ બે ભાગ પાડ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોેરશને કેસ વધવાની સાથે રેડઝોન વિસ્તાર જાહેર કરવાની તસ્દી લીધી નથી.જેના પરિણામે ઈસનપુર, બાપુનગર, નરોડા, કુબેરનગર સહિતના વોર્ડની અસર અન્ય વિસ્તારોમાં પણ જાવા મળી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.