Western Times News

Gujarati News

રાજ્યભરના ૧૪ર માર્કેટયાર્ડમાં ૮૪.૩૬ લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે ખેડૂતો લાવ્યા

File Photo

  • ઘઉં ૨૩.૩૩ લાખ ક્વિન્ટલકપાસ ૪.૪૩ લાખ ક્વિન્ટલ – એરંડા ૧૮.૨૫ લાખ
  • સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો -ફરજિયાત માસ્ક – સેનીટાઈઝર ઉપયોગની સતર્કતા સાથે ખેત ઉત્પાદન વેચાણ ખરીદ પ્રક્રિયા ગતિશીલ બની

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉન-૪માં કેટલીક શરતો અને નિયમોને આધિન આપેલી વ્યાપક છુટ્ટછાટોને પરિણામે જનજીવન ઝડપભેર થાળે પડી રહ્યું છે. રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે.

કોરોના વાયરસ કોવિડ-19ની વિશ્વવ્યાપી મહામારી સાથે મહામારી સામે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત કરવા રાજ્યમાં ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર ખેતીવાડીની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ધરતીપુત્રોની ખેતપેદાશોને લોકડાઉનના કારણે વેચાણમાં વિપરીત અસર ન પડે તે હેતુથી રાજ્યના માર્કેટયાર્ડ તા. ૧૫ એપ્રિલથી કાર્યરત કરવાની અનુમતિ આપી હતી.

તદ્દઅનુસાર, તબક્કાવાર માર્કેટયાર્ડ શરૂ થતાં રાજ્યના ખેડૂતોને પોતાની ઉપજના વેચાણના પોષણક્ષમ ભાવ આ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન વેચાણથી મળતા થયા છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરના ૧૪૨ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૩૦મી મે સુધીમાં કુલ ૮૪ લાખ ૩૬ હજાર ૪૧૭ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે.

આ અનાજમાં ર૩,૩૩,૬૪૮ ક્વિન્ટલ ઘઉં, ૧૮,રપ,૪૦પ ક્વિન્ટલ એરંડા, ૪,૪૩,૪૧ર ક્વિન્ટલ કપાસ તેમજ ર,૯૯,૮૮૦ ક્વિન્ટલ તમાકુ અને ૩,૩૯,ર૬૩ ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું કે, લોકડાઉનને કારણે ખેડૂતોના ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિને જે વિપરીત અસર પડી હતી તેમાંથી હવે આ લોકડાઉન-૪માં અપાયેલી વ્યાપક છૂટછાટોને પરિણામે રાહત થતા ધરતીપુત્રોને પણ પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ સાથોસાથ આર્થિક આધાર પણ મળતો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.