Western Times News

Gujarati News

આત્મનિર્ભરતાથી શ્રમિકોની હાડમારી ટાળી શકાતઃ મોદી

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત ૨.૦’ના ૧૨ એપિસોડમાં સંબોધન કર્યું
નવીદિલ્હી,  ‘મન કી બાત ૨.૦’ના ૧૨મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ દેશમાં તમામ લોકોના સહિયારા પ્રયાસોથી આક્રમકતાપૂર્વક લડવામાં આવી રહી છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, હવે અર્થતંત્રમાં મોટાભાગના વિભાગો ખુલ્લા કરવામાં આવ્યા હોવાથી કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને સૌએ વધુ સતર્ક અને સાવચેત રહેવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો અને અન્ય વિશેષ ટ્રેનો સાથે પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલાંઓનું પાલન કરીને ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થઇ ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવાઇ સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે અને ઉદ્યોગો પણ ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે. તેમણે આગળ વાત વધારતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઇએ અને દરેક લોકોને સૂચન આપ્યું હતું કે તેઓ ‘દો ગજ કી દૂરી’ (બે ગજનું અંતર જાળવે), ચહેરા પર માસ્ક પહેરવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું વગેરે માપદંડોનું પાલન કરે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઘણી બધી મુશ્કેલીઓ વેઠ્‌યા પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેના દેશના કૌશલ્યપૂર્ણ પ્રયાસો એળે ન જવા જોઇએ. પ્રધાનમંત્રીએ આપણા દેશવાસીઓ સેવાનો જે જુસ્સો બતાવ્યો તેની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ જ આપણી સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, આપણે- સેવા પરમો ધર્મ ઉક્તિથી પરિચિત છીએ; સેવાથી આનંદ મળે છે… સેવા જ સંતોષ છે.

સમગ્ર દેશમાં તબીબી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ પ્રત્યે ઘેરા આદરની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં કાર્યરત ડાક્ટરો, ર્નસિંગ સ્ટાફ, સફાઇ કામદારો, પોલીસ જવાનો અને મીડિયા કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે કટોકટીના આ સમયમાં સ્વ-સહાય સમૂહોની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કામની પણ પ્રશંસા કરી હતી. તેમણે તામિલનાડુના કે.સી. મોહન, અગરતલાના ગૌતમ દાસ, પઢાણકોટના દિવ્યાંગ રાજુના દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો જેમણે મર્યાદિત માધ્યમો વચ્ચે પણ આગળ આવીને કટોકટીના આ સમયમાં બીજા લોકોને મદદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ખૂણે ખૂણામાંથી સ્વ સહાય સમૂહોની મહિલાઓના ખંતની સંખ્યાબંધ ગાથાઓ અહીં રજૂ થઇ શકે તેમ છે. મહામારીના આ સમયનો સામનો કરવા માટે સક્રિયતાપૂર્વક કામ કરનારી દરેક વ્યક્તિના પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા.

તેમણે નાસિકના રાજેન્દ્ર યાદવનું ઉદાહરણ આપ્યું હતું જેમણે પોતાના ટ્રેક્ટર સાથે લગાવેલું સેનિટાઇઝેશન મશીન તૈયાર કર્યું હતું. સંખ્યાબંધ દુકાનદારોએ ‘દો ગજ કી દૂરી’નું પાલન કરવા માટે તેમની દુકાનો આગળ મોટી પાઇપલાઇનો લગાવીને આડશ ઉભી કરી છે. મહામારીના સમયના કારણે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો અને તેમણે પીડાવું પડ્‌યું તે બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમાજના તમામ વર્ગોને અસર પડી છે પરંતુ વંચિત શ્રમિકો અને કામદાર વર્ગોને સૌથી વધુ ભોગવવું પડ્‌યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ સમજે છે અને તેને લાગે છે કે, તેઓ કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને કેન્દ્ર, રાજ્યો તેમજ સ્થાનિક વહીવટીતંત્રની સંસ્થાઓમાંથી તમામ લોકો અવિરત કામ કરી રહ્યા છે. તેમણે એવા તમામ લોકોની પ્રશંસા કરી હતી જેઓ ટ્રેનો, બસો દ્વારા લાખો મુસાફરોને સલામતીપૂર્વક તેમના વતન રાજ્યોમાં પહોંડવા માટે, તેમને ભોજન આપવા માટે અને દરેક જિલ્લામાં તેમના ક્વારેન્ટાઇન્ટ માટે સુવિધા ઉભી કરવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્‌યો હતો કે, પરિસ્થિતિ માટે નવા ઉકેલની કલ્પના કરવીએ વર્તમાન સમયની માંગ છે.

તેમણે કહ્યું કે, સરકારે આ દિશામાં કેટલાક પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી ગ્રામ્ય રોજગારી, સ્વરોજગારી અને નાના કદના ઉદ્યોગો માટે ખૂબ જ મોટાપાયે સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આત્મનિર્ભર ભારતથી આ દાયકામાં દેશ નવી ઊંચાઇઓએ પહોંચવા માટે સમર્થ બનશે. પ્રધાનમંત્રીએ વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, દરેક જગ્યાએ લોકો ‘યોગ’ અને ‘આયુર્વેદ’ વિશે અને તેને જીવનની રીત તરીકે અપનાવવા વિશે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક છે. તેમણે “કમ્યુનિટી, ઇમ્યુનિટી અને યુનિટી” (સમુદાય, પ્રતિકારકતા અને એકતા) માટે યોગની હિમાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.