Western Times News

Gujarati News

ઓઢવમાં દબાણો તોડી પાડવા માપણીનું કામ શરૂ

પ્રતિકાત્મક

 

સરકારી જમીનો ખુલ્લી કરવા અને ટીપીના અમલ માટે કોર્પો.નું તંત્ર સજ્જ : ઓઢવમાં ટુંક સમયમાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાશે  સ્થાનિક નાગરિકોમાં ફફડાટ

 

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટીપી સ્ક્રીમનો અમલ તથા સરકારી જમીનો પરથી દબાણો દુર કરવા માટે સરકારી તંત્ર અને સ્થાનિક તંત્રો સક્રિય બન્યા છે અમદાવાદ શહેરમાંથી આવા દબાણો દુર કરવામાં આવી રહયા છે જયારે ટીપીના અમલ માટે પણ રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે શહેરના ઓઢવ વિસ્તારમાં પણ મ્યુનિ. કર્મચારીઓએ માપણીનું કામ શરૂ કરતાં નાગરિકોમાં ભારે ચર્ચા જાગી છે અને દબાણકર્તાઓમાં ફફડાટ પણ ફેલાયો છે. માપણી શરૂ કરાતા જ ઓઢવ વિસ્તારમાં મોટાપાયે દબાણો દુર કરવામાં આવશે તેવુ મનાઈ રહયું છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ટીપીના અમલ તથા સરકારી જમીનો પર વર્ષોથી બંધાયેલા દબાણોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં દબાણો દુર કરવામાં આવી રહયા છે શહેરના વસ્ત્રાપુર, જાધપુર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે દબાણો હટાવવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરનો વ્યાપ વધતા અને વાહનોની સંખ્યા વધવાની સાથે રસ્તાઓ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે ટીપીના અમલમાં માર્ગમાં આવતા દબાણો પણ હટાવવાનો નિર્ણય લેવાયો છે કેટલાક સ્થળો પર દબાણો દુર કરવામાં આવ્યા છે સાથે સાથે સરકારી જમીનો પર દબાણો બાંધી ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને નોટીસો પણ પાઠવી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સરકારી જમીનો ખુલ્લી કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશથી અનેક વિસ્તારોમાં દબાણો દુર કરવામાં આવ્યા છે જેના પરિણામે દબાણ કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જાકે કોર્પોરેશન તંત્ર દ્વારા અગાઉથી જ નોટિસો પાઠવી દેવામાં આવતી હોય છે સૌ પ્રથમ માપણીનું કામ શરૂ કરાતુ હોય છે માપણીનું કામ શરૂ થયા બાદ આગળની કાર્યવાહી કરાય છે તે મુજબ શહેરના ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. કર્મચારીઓ દ્વારા માપણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં થયેલા દબાણોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે માપણીનું કામ પૂર્ણ થયા બાદ ઓઢવ વિસ્તારમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

શહેરના ઓઢવ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયેલી માપણીની કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયેલો છે. ઓઢવ વિસ્તારમાં મોટાપાયે દબાણો કરી દેવામાં આવ્યા છે જેના પગલે હવે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ છે અને આવા દબાણો દુર કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઓઢવ વિસ્તારમાં અનેક સ્થળોએ માપણીનું કામ શરૂ થતાં જ હવે ટુંક સમયમાં જ દબાણો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે.

શહેરના ઓઢવ ઉપરાંત અન્ય વિસ્તારોમાં થયેલા દબાણો અંગેની માહિતી કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવી રહી છે અને આ વિસ્તારોમાં પણ હવે માપણીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ઓઢવ વિસ્તારમાં શરૂ થયેલી માપણીની કામગીરી બાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે ખાસ કરીને દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત જરૂરી હોય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ ટુંક સમયમાં બંદોબસ્તની ફાળવણી માટે બેઠક કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ સેટેલાઈટ વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની સામે ટીપીના મલ માટે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ખાસ કરીને રસ્તાઓ પર થયેલા દબાણો દુર કરવામાં આવી રહયા છે અને આ પ્રક્રિયામાં દબાણ કરનારાઓ પણ સ્વૈછિક રીતે દબાણો હટાવવા લાગ્યા છે ઓઢવમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ આ વિસ્તારમાં દબાણો હટાવવા માટે સક્રિય બનતા જ દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે બીજીબાજુ ઓઢવમાં કયારે દબાણો હટાવવામાં આવશે તે પોલીસ બંદોબસ્ત પર આધારિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.