Western Times News

Gujarati News

ગુજરાતના ૧૨૫ તાલુકામાં વરસાદ પંચમહાલનાજાંબુઘોડામાં ૩ ઈંચ ખાબક્યો

File

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્‌યો છે. તો પંચમહાલના જાંબુઘોડામાં અને ગાંધીનગરના દહેગામમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્‌યો છે. ગાંધીનગરના માણસામાં અને ખેડાના નડિયાદમાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૬૮ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્‌યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૪ કલાકમાં ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પંચમહાલના ચેરાપૂંજી ગણાતા જાંબુઘોડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જાંબુઘોડા પંથકમાં માત્ર બે કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ઠેરઠેર પાણી વહેતા થયા હતા. ભારે પવનને કારણે રાત્રિ દરમ્યાન વીજળી ગાયબ થઈ ગઈ હતી. પ્રથમ વરસાદ ખેતીલાયક થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

બોટાદ જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર, બોટાદમા વરસાદ ગઢડામા રાતના બાર વાગ્યાથી સવારના ૬ સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે. બોટાદમાં ૯૨ એમએમ, રાણપુરમાં ૬ મીમી, ગઢડામાં ૬ મીમી વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા હિંમતનગરના એનજી સર્કલ પાસે વહેલી સવારે વીજ કરંટ લાગતા ગાયનું મોત નિપજ્યું હતું. સાવચેતીથી અન્ય એક ગાયને બચાવી લીધી હતી. પોલીસે જીવદયા માટે વીજ કચેરીમાં વીજ પ્રવાહ બંધ કરવા માટે કોલ કર્યો હતો. ત્યારે ફોન ન ઉપાડતા પોલીસ પહોંચી હતી અને વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હોવાને લઈને વીજ થાંભલા પર કરંટ ઉતર્યો હતો. આમ, સર્કલ પર મોટી દુર્ઘટના ટળી હતી.

દરરોજ વહેલી સવારે અપડાઉન કરતા શિક્ષકો એનજી સર્કલ પાસે જ ઉભા રહેતા હોય છે. તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હિંમતનગર ૧૧ મિમી, ઇડરમાં ૦૩ મિમી, વડાલીમાં ૧૭ મિમી, વિજયનગરમાં ૦૧ મિમી, તલોદમાં ૧૭ મિમી અને પ્રાંતિજમાં ૧૮ મિમી વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, ધનસુરામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં ૪ મિમિ, બાયડ અને મેઘરજમાં ૨ મિમિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છે. વહેલી સવારથી શામળાજીમાં સામાન્ય વરસાદી છાંટા હોવાથી માહોલ ખુશ્નુમા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લાના ૯ માંથી ૬ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદમાં આમોદમાં ૧૯ એમએમ, અંકલેશ્વરમાં ૫ એમએમ, હાંસોટમાં ૧૬ એમએમ, વાગરામાં ૨૦ એમએમ,જંબુસરમાં ૨ એમએમ અને વાલિયામાં ૧૬ એમએમ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.