Western Times News

Gujarati News

ઓગસ્ટમાં કોરોના આતંક મચાવશે, વેક્સીન વર્ષના અંત સુધી શક્ય નથી

દેશમાં રોજ નોંધાઈ રહેલા ૧૦ હજારથી વધુ કેસ જોતા આગામી સમય વધુ ઘાતક પુરવાર થઈ શકે છે – સંક્રમણની ગતિ સામે આરોગ્ય સેવા હાંફી ગઈ

નવી દિલ્હી,  દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને તાજેતરમાં તેનામાં ઘટાડો થવાની સંભાવના નથી. ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા ૩ લાખની નજીક પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં તે વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. નિષ્ણાતોના મતે, જુલાઈના મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા દેશમાં ખૂબજ વધી શકે છે. હાલમાં દેશમાં ઘણી રાજ્ય સરકારોની આરોગ્ય વ્યવસ્થા ખોરવાવા માંડી છે એ સ્થિતિમાં દેશમાં કોરોના કેસ ચરમસીમા પર પહોંચશે ત્યારે સ્થિતિ શું હશે. દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના વાઇસ ચેરમેન ડો.એસ.પી. બાયોત્રાના જણાવ્યા મુજબ, આ ક્ષણે કોરોનાના કર્વ ફ્‌લેટ થાય એમ લાગતા નથી.

તેમણે કહ્યું, “દેશમાં કોરોના કેસ જુલાઈના મધ્યમાં અથવા ઓગસ્ટમાં ટોચ પર પહોંચી શકે છે. મને નથી લાગતું કે રસી આવતા વર્ષના પહેલા ક્વાર્ટર પહેલાં આવશે. દેશમાં કોરોનાના દરરોજ લગભગ ૧૦,૦૦૦ નવા કેસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે સવારે ૮ વાગ્યા સુધી દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૯૫૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨૯૭૫૩૫ પર પહોંચી ગઈ છે. સારી વાત એ છે કે આ લોકોમાંથી ૧૪૭૧૯૫ લોકો આ રોગચાળામાંથી બહાર આવ્યા છે.

કોરોનાએ દેશમાં ૮૪૯૮ લોકોનાં જીવ લીધા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે યુએસ, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા સ્થાને પહોંચી ગયું છે. જો આ ગતિએ દેશમાં કોરોના કેસ વધશે, તો ભયંકર પરિસ્થિતિ આવી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ૩૧ જુલાઈ સુધીમાં શહેરમાં સંક્રમિત કોરોનાની સંખ્યા ૫.૫ લાખ સુધી પહોંચી શકે છે. વિચારવાનું એ છે કે દિલ્હીમાં આટલા દર્દી હશે તો દેશની પરિસ્થિતિ શું હશે.

દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં હાલમાં દિલ્હી ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા ૩૪૬૮૭ છે, જેમાં ૧૦૮૫ લોકો મૃત્યુ પામ્યા છે. રાજધાનીમાં કોરોનામાંથી ૧૨૭૩૧ લોકો સ્વસ્થ થયા છે. આટલા કેસોમાં દિલ્હી સરકાર હાંફી ગઈ હોય એવી સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોના દર્દીઓની સ્થિતિ પ્રાણીઓ કરતા વધુ ખરાબ છે. પરંતુ તેની પાછળની ડરામણી જમીન વાસ્તવિકતા છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીવાસીઓ જોઇ રહ્યા છે.

હોસ્પિટલોમાં પલંગ નથી, દરેક જગ્યાએ દર્દીઓ પડેલા છે. કેટલાક કોરોના પરીક્ષણના અહેવાલો પર સવાલ ઊભા કરી રહ્યા છે, કેટલાક હોસ્પિટલમાં રાજકારણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે કેટલાક મૃત્યુઆંક પર જ સવાલ ઊભા કરી રહ્યા છે. દરમિયાન, સામાન્ય દિલ્હીવાળાને ચિંતા છે કે તેણે ક્યાં જવું જોઈએ. સવાલ એ છે કે જ્યારે કોરોના કેસ ચરમસીમા હોય ત્યારે દર્દીઓની સ્થિતિ શું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.