Western Times News

Gujarati News

ભારત સરકારનું આર્થિક પેકેજ, સરકારની નિતી, નિર્ણયોથી અર્થતંત્ર મજબૂત થવાનો આર્થિક નિષ્ણાતોનો મત

પ્રતિકાત્મક તસવીર

ભારતીય અર્થતંત્રમાં તેજીના એંધાણ, એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ અને ફિંચ રેટિંગ એજન્સીને છે ભારત પર વિશ્વાસ, આવતા વર્ષે જીડીપી  9.5% રહેવાનું અનુમાન

કોરોના સંકટના આ સમયગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં સતત નકારાત્મકતાનો માહોલ ઊભો થયો છે ત્યારે ભારતીય અર્થતંત્ર માટેના હકારાત્મક સંકેતો મળી રહ્યાં છે. કોરોના સમસ્યાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વિશ્વના અન્ય દેશોની જેમજ ભારતીય અર્થતંત્રને પણ ઘણી માઠી અસરો થઇ છે.

ત્યારે રાહત સાથે આનંદના સમાચાર એ છે કે ભારતીય અર્થતંત્રમાં બહુ ઝડપથી ફરી પાછી તેજી આવશે.પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું એમ આફતને અવસરમાં બદલવાની તાકાત ધરાવતું ભારત બહુ ઝડપથી આર્થિક કટોકટીમાંથી ઉગરી જઇને વિકાસના પથ પર આગળ વધશે. વિશ્વની પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સી ફિંચે પણ ભારતની આ ક્ષમતા પર ભરોસો મૂક્યો છે. અને અનુમાન કર્યું છે કે આવતા વર્ષે એટલે કે વર્ષ 2021-22માં ભારતનો જીડીપી એટલે કે ગ્રોથ રેટ 9.5%  જેટલો રહેશે.

બીજી તરફ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે તેના સ્થિર ર્દષ્ટિકોણ સાથે ભારતનું સૌથી ઓછું રોકાણ ગ્રેડ(બીબીબી) ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યું છે. અને અપેક્ષા રાખી છે કે દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય સ્થિતિ સ્થિર થઈ આવતા વર્ષે સુધરવાની શરૂઆત કરશે. એજન્સીનો રિપોર્ટ જણાવે છે કે ચાલુ આર્થિક સુધારા જો સારી રીતે આગળ પણ ચલાવવામાં આવશે તો દેશનો વિકાસદર વધશે.

એસ એન્ડ પીએ ભારતીય અર્થતંત્રની મજબૂતી ફરી હાંસલ થવાની શક્યતા પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એજન્સીનું માનવું છે કે  ભારતના પ્રધાનમંત્રીના મજબૂત નિર્ણયો બજારોમાં વધુ ઉદારીકરણ, રોકાણના માળખામાં ફેરફારો તેમજ મહ્ત્વના આર્થિક સુધારાઓને અપનાવવામાં અને લાગુ કરવામાં સક્ષમ બનાવે છે. જે આર્થિક વૃધ્ધિ દરને હાંસલ કરવામાં મદદરૂપ નીવડશે. સાથે જ ભારત સરકારે દેશના અર્થતંત્રને બેઠું કરવા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. જે ભારતીય અર્થતંત્ર માટે તારણહાર સાબિત થવાનું છે.

જીસીસીઆઇના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ભાર્ગવ ઠક્કર

વૈશ્વિક રેટિંગ એજન્સી દ્વારા ભારતીય અર્થતંત્રના આવનાર સમય માટેના મજબૂતીના સંકેતો દર્શાવાઇ રહ્યાં છે ત્યારે ભારતીય અર્થતંત્રના નિષ્ણાતો તેમજ વિભિન્ન આર્થિક સેક્ટરના પ્રતિનિધિઓ આ બાબતને આવકારી રહ્યાં છે. અને ભારત સરકાના આર્થિક નિતી વિષયક પગલાંઓની સરાહના પણ કરી રહ્યાં છે.  ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ-જીસીસીઆઇના વાઇસ પ્રેસિડન્ટ ભાર્ગવ ઠક્કરે અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે આપણા દેશના નાના વેપારીથી લઇને મોટા ઉદ્યોગકારો સૌ તેમની ઉદ્યોગસાહસિકતા માટે જાણીતા છે. સરકારની નિતીઓ પણ ઘણી સારી છે. સાથે જ તેમાં સમય અને માગ અનુસાર ફેરફાર કરવામાં આવતા રહેશે તેમજ સરકારનું વેપાર-ઉદ્યોગો માટેનું હકારાત્મક વલણ આગળ પણ ચાલું રહેશે તો આપણે ચોક્કસથી જીડીપીના આ લક્ષ્યાંકને હાંસલ કરી શકીશું.

જીસીસીઆઇના ખજાનચી શ્રી પથિક પટવારી

જીસીસીઆઇના ખજાનચી પથિક પટવારીએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે ભારતનો ઔદ્યોગિક પાયો ઘણો મજબૂત છે સાથે જ આપણી ઘરેલું માંગ પણ ઘણી સારી છે. સાથે જ વૈશ્વિક કક્ષાએ ભારત અન્ય દેશોને ભારતમાં ઉદ્યોગો સ્થાપવા માટે પોતાની તરફ આકર્ષવા માટે સક્ષમ છે. વૈશ્વિક કક્ષાની આવી કોઇ પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સી આવું સારુ રેટિંગ આપતી હોય તેનાથી અર્થતંત્રમાં હકારાત્કતા ઉભી થતી હોય છે, જે વિકાસની દિશામાં આગળ પ્રેરે છે.

જીસીસીઆઇના સેક્રટરી શ્રી સંજીવ છાજેર

જીસીસીઆઇના સેક્રટરી સંજીવ છાજેરે જણાવ્યું કે આ ભારત માટે એક સારા સમાચાર છે. વૈશ્વિક એજન્સીએ ભારત પર વિશ્વાસ મુક્યો છે. અને અર્થતંત્ર ખૂબ સારું રહેશે એવા સંકેતો આપ્યા છે. એનું મુખ્ય પાસુ ભારતની વસ્તી, આંતરિક માંગ અને ઉત્પાદન છે. યુવાશક્તિ પણ આપણી તાકાત છે. આફતને અવસરમાં કેમ ફેરવવી એ આપણને આવડે છે. દેશના લોકોને  પ્રધાનમંત્રીમાં વિશ્વાસ છે કે ગમેતેવું નકારાત્મક પાસુ હોય તો પણ તેને તેઓ બદલી શકે છે. અને તેને હકારાત્મક દિશામાં આગળ વધારી શકે છે.

એડવોકેટ શ્રી જૈનિક વકીલ

આર્થિક નિષ્ણાત તેમજ એડવોકેટ જૈનિક વકીલે એક મુલાકાતમાં જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે વિશ્વના અન્ય દેશોનો આર્થિક વૃદ્ધિદર નીચો આલેખવામાં આવી રહ્યો છે ત્યારે આઇએમએફ અને હવે ફિંચે પણ ભારતનો વૃદ્ધિદર આવતા વર્ષે ઘણો ઉંચો આલેખ્યો છે. જેની પાછળ  પ્રધાનમંત્રીશ્રીની દૂરંદેશી દ્રષ્ટિ સાથે ભારત સરકારની નિતિ જવાબદાર છે. સરકાર નિતી વિષયક ઘણા નિર્ણયો લઇ રહી છે અને ઘણા સુધારાઓ પણ કરી રહી છે, જે આ વૃદ્ધિદરને પ્રાપ્ત કરવામાં સહાયક બનશે.

વિશ્વની પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સી દ્વારા આવનાર સમયમાં ભારતીય અર્થતંત્રની મજબૂતીના સંકેતો એ વાતનું પ્રમાણ છે કે ભારત સરકારનું આર્થિક પેકેજ, સરકારની નિતી, નિર્ણયો અને સુધારાઓ તારણહાર બનીને આ વિષમ પરિસ્થિતિમાંથી ભારતીય અર્થતંત્રને ઉગારી લેશે, જે સંકટના આ સમયને દૂર કરીને દેશને સમૃદ્ધિની દિશામાં આગળ ધપાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.