Western Times News

Gujarati News

ધોરણ 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે દીન દયાળ સ્પર્શ યોજના 2019-20માં પણ ચાલુ રહેશે

અમદાવાદ,  ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ફિલાટેલી (ટપાલ-ટિકિટ સંગ્રહ)માં વધુ રસ કેળવી શકે એ માટે દીન દયાળ સ્પર્શ યોજના (ટપાલ ટિકિટમાં અભિરુચિ અને સંશોધનના પ્રમોશન માટે એક શોખ તરીકેની શિષ્યવૃત્તિ) નામની આકર્ષક યોજના વર્ષ 2017-18 માટે મૂકવામાં આવી હતી જે વર્ષ 2019-20માં પણ ચાલુ રાખવામાં આવી છે.

યોજના વિષેઃ ધોરણ 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓ કે જેમનો શૈક્ષણિક રેકોર્ડ સારો હશે અને જેમને ફિલાટેલીમાં એક શોખ તરીકે રસ હશે એવા વિદ્યાર્થીઓને ફિલાટેલી ક્વિઝ અને ફિલાટેલી પ્રોજેક્ટ ઉપર ચકાસણી કરીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ તરીકે દર મહિનાના રૂ. 500 લેખે વર્ષના રૂપિયા 6000 એક વર્ષ માટે આપવામાં આવશે.

મુખ્ય મુદ્દાઃ પાત્રતાની શરતોઃ

  1. ઉમેદવાર ભારત દેશની યોગ્યતા પ્રાપ્ત શાળાનો ધોરણ 6 થી 9નો વિદ્યાર્થી હોવો જોઈએ.
  2. જે તે શાળામાં ફિલાટેલી ક્લબ હોવી જોઈએ અને તે ઉમેદવાર ક્લબનો સભ્ય હોવો જોઈએ.
  3. જો કોઈ સંજોગમાં શાળામાં ફિલાટેલી ક્લબ ન હોય તે સંજોગમાં ઉમેદવાર/વિદ્યાર્થીનું પોતાનું ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ હોવું જોઈએ.
  4. વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો જોઈએ. જ્યારે પુરસ્કાર માટે પસંદગી પાત્ર થાય ત્યારે તે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ પ્રવર્તમાન અંતિમ પરીક્ષામાં પ્રાપ્ત કરેલ હોવા જોઈએ અનુસૂચિત જાતિ/જનજાતિ માટે 5 ટકા આરક્ષણ રહેવા પાત્ર છે.
  5. પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા બે સ્તરની રહેશે. સ્તર -1 ફિલાટેલી લેખિત ક્વિઝ, સ્તર-2 ફિલાટેલી પ્રોજેક્ટ

સ્તર-1 : ફિલાટેલી લેખિત ક્વિઝ – દરેક ડિવિઝન સ્તર પર તા. 01-09-2019ના રોજ ક્ષેત્રીય પોસ્ટમાસ્તર જનરલની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

સ્તર-2 : ફિલાટેલી પ્રોજેક્ટ – જે વિદ્યાર્થીઓ ડિવિઝન સ્તર પર લેખિત ક્વિઝમાં પસંદગી પામ્યા હશે તેઓએ આપેલા વિશષ પર તૈયાર કરેલ ફિલાટેલી પ્રોજેક્ટ અંતિમ પસંદગી માટે તા. 21-10-2019 પહેલા રજૂ કરવાનો રહેશે.

સર્કલ કાર્યાલય દ્વારા ફિલાટેલી ક્વિઝમાં પસંદગી પામેલ ઉમેદવારોને ફિલાટેલી પ્રોજેક્ટના વિષય અને તે વિશેની વધુ માહિતીની જાણ કરવામાં આવશે. સર્કલ દ્વારા પુરા પાડવામાં આવેલ પ્રોજેક્ટ પૈકી કોઈ એક પ્રોજેક્ટ વિષય પર પસંદગી પામેલ ઉમેદવારે પ્રોજેક્ટ રજૂ કરવાનો રહેશે.

અભ્યાસક્રમઃ ફિલાટેલી ક્વિઝ એ બહુવિધ પસંદગી પ્રશ્ન એમ સી ક્યુ આધારિત રહેશે. જેમાં સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, રમત-ગમત, સંસ્કૃતિ, ભૂગોળ અને ફિલાટેલી, સ્થાનિક તથા રાષ્ટ્રીય વિષયો પર આધારિત 50 પ્રશ્નો રહેશે. ફિલાટેલી પ્રોજેક્ટ 4-5 પાનાંથી વધુનો ન હોવો જોઈએ. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થી વધુમાં વધુ સોળ ટિકિટ તથા 500 શબ્દોનો ઉપયોગ કરી શકશે.

શિષ્યવૃત્તિની રકમ: પસંદગી પામેલ ઉમેદવાર માટે શિષ્યવૃત્તિ પેટે દર મહિને રૂપિયા 500 લેખે એક વર્ષના રૂપિયા 6000 મળવાપાત્ર રહેશે.

શિષ્યવૃત્તિની વહેંચણી : વિજેતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ તેના માતા/પિતાના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના સંયુક્ત ખાતા, શાખાના પોસ્ટ બચત ખાતા કે જેમાં કોર બેન્કિંગની સુવિધા હશે અને એમાં જમા કરવામાં આવશે.

અરજીની પ્રક્રિયા : અરજી જે તે પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ/સુપ્રિટેન્ડેન્ટને તારીખ 14-08-2019 સુધી અથવા તે પહેલા રજિસ્ટર/સ્પીડ પોસ્ટ/રૂબરૂમાં મોકલી શકાશે, એમ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.