Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં  ડૉ. મૈત્રેય ગજ્જર કોરોનાને મ્હાત આપી ફરજ પર પરત ફર્યા

સમગ્ર દેશમાં દર વર્ષે ૧ જુલાઈના રોજ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજનો ડૉક્ટર્સ ડે સવિશેષ છે. સમગ્ર દેશના ડૉક્ટર્સ આજે હાથમાં સ્ટેથોસ્કોપ તેમજ અન્ય મેડીકલ સાધનોની મદદથી વ્હાઈટ કલરનું એપ્રન પહેરીને કોરોનાની મહામારી સામે છેલ્લા ૧૦૦ દિવસ કરતાં વધારે સમયથી લડી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર પણ ફ્રન્ટ કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.


અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જેના ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ ડૉક્ટર મૈત્રેય ગજ્જર સેવા આપી રહ્યા છે. કોરોનાને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળતાં ડરે છે ત્યારે ૬૩ વર્ષીય ડૉ.મૈત્રેય ગજજર બખૂબી રીતે કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર માટે હાજર ડૉક્ટર્સ, પેરા-મેડીકલ સ્ટાફ, નર્સ અને અન્ય સ્ટાફને તકલીફ ન પડે તે માટે તેઓ સતત કોવિડ હોસ્પિટલમાં પી.પી.ઈ કીટ પહેરી રાઉન્ડ લેતા હતા આ દરમિયાન તેઓને કોરોનાનું ઈન્ફેક્શન લાગ્યુ હતું. કોરોનાગ્રસ્ત થતાં તેઓ હોમ કોરન્ટાઈન થયા હતા.

૧૮ દિવસ હોમકોરન્ટાઈન થઈ કોરોનામુક્ત થતાં ડ્યુટી પર પરત આવીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં અવિરત સેવા બજાવી રહ્યા છે. ડૉ. મૈત્રેય ગજ્જરે કોવિડ૧૯ હોસ્પિટલ ખાતે લેબોરેટરી, બ્લડ ટ્રાન્સમિશન સેન્ટરની સુવિધા તેમજ દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

ડૉક્ટર ગજ્જર જણાવે છે કે, મને કોરોનાથી ઝડપથી સાજાં થવામાં મારા પત્ની અને મારા હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો. કોરન્ટાઈનના સમય પૂર્ણ થતાંની સાથે જ ડૉક્ટર ગજ્જર કોવિડ૧૯ હોસ્પિટલમાં પુનઃ ફરજ બજાવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતાં પોઝીટીવ થયેલા ડૉ. મૈત્રય દર્દીઓની પૂરી નિષ્ઠાથી સેવા કરી રહ્યાં છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉક્ટર ગજ્જરે પુરું પાડ્યુ છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે.

તેઓ કહે છે કે, મારા પરિવારને મારા પર ખૂબ જ ગૌરવ છે કે હું આવી કપરી સ્થિતિમાં પણ ડ્યુટી કરી રહી છું.
ડૉક્ટર ગજ્જર વધુમાં જણાવે છે કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે લડાઈના સૈનિક હોવાનો મને ગર્વ છે. દેશવાસીઓની સેવા કરવાનો મને મોકો મળ્યો છે જેથી મારી જાતને હું ભાગ્યશાળી માની રહ્યો છું. આ રીતે કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડોક્ટર મૈત્રય પુરું પાડ્યું છે. તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.