Western Times News

Gujarati News

સ્વદેશી ફાયર રોબોટ ‘શેષનાગ’ ૭૦૦ ડિગ્રીથી વધુમાં પણ ઓલવશે આગ

અમદાવાદ: વાતાવરણમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધુ છે. તાજેતરમાં લાંબા સમયના લોકડાઉન બાદ ખૂલેલી અમદાવાદની દુકાનોમાં આગની અનેક ઘટનાઓ આપણી સામે આવી છે. આવી અચાનક લાગેલી આગ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે વધુ પડતી ગરમીને કારણે તથા સાંકડી જગ્યાને કારણે આગની નજીક જઈ તેને ઓલવવાનું કાર્ય વધુ પડકારજનક અને મુશ્કેલીરૂપ બની જાય છે. પરંતુ હવે આ મુશ્કેલીઓનો અંત આવી જશે, કારણ કે અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂ. ૧ કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે. જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે. આ રીતે અમદાવાદની આગ માટે વપરાતા “વિકરાળ” એવા શબ્દો ભૂતકાળ બની જશે.

આ અંગેની વિગતો આપતા ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડાયરેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું કે, અમદાવાદમાં અને ખાસ કરીને આસપાસની ફેક્ટરીઓમાં જ્યારે મોટી આગની ઘટના બને છે ત્યારે આવી આગના કારણે આસપાસનું વાતાવરણ અને આગ લાગવાના સ્થળે ખૂબ ઊંચું તાપમાન હોય છે. તેથી આગને ઓલવવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે.

દા.ત. તાજેતરમાં સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ગરમીનું પ્રમાણ ૭૦૦ ડિગ્રી જેટલું ઉંચુ હતું. આવા સંજોગોમાં માણસનું શરીર આ ગરમીને સહન કરી શકે નહીં. તેથી ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પણ દૂરથી જ આગ ઓલવવાની કામગીરી કરવી પડે છે.

સુરક્ષિત અને અસરકારક ફાયર ફાઇટીંગ માટે અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દસ્તુર દ્વારા કંઈક નવીન કરવાના વિચાર સાથે આ માટેના વ્હીકલ “શેષનાગ”ની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની ‘વાડિયા બોડી બિલ્ડર કંપની’ દ્વારા આ માટેનું સમગ્ર વ્હીકલ તૈયાર કરવામાં આવેલું છે. ચાંગોદરની ‘સ્વદેશી કંપની’ દ્વારા ફાયર રોબોટને તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ વ્હીકલ પર ફાયર રોબોટને માઉન્ટેડ કરવામાં આવ્યો છે. આમ, આ સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી’ ધોરણે બનાવવામાં આવ્યો છે.

આ રોબોટની વિશેષતાઓ વિશે અધિકારી દસ્તુરે જણાવ્યું કે, રૂ. ૧ કરોડની કિંમતનો આ રોબોટ ૭૦૦ ડિગ્રી કે તેનાથી પણ ઊંચા તાપમાને આગની સાવ નજીક જઈને પ્રતિ મિનિટે ૩૦૦ લિટર પાણીનો મારો ચલાવવા માટે સક્ષમ છે. આ પાણીનો મારો તે ૧૦૦ કિલો પ્રેશર એટલે કે ૧૪૫૦ પાઉન્ડ પ્રેશર (૧૦૦ બાર પ્રેશર)થી કરી શકે છે. આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો પણ જોડી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની સાથે ૫૦૦ મીટરની હોઝ પાઇપ જોડી શકાય છે.

કોર્ડલેસ રિમોટથી સંચાલિત આ ફાયર રોબોટને ૩૦૦ મીટરના અંતરેથી પણ સંચાલિત કરી શકાય છે. હાઈ પ્રેશર પંપ સિવાયની તેની તમામ વસ્તુઓ સ્વદેશી ધોરણે બનાવાઈ છે. આવી બધી વિશેષતા ધરાવતો તે વિશ્વનો આ પ્રકારજનો પ્રથમ ફાયર રોબોટ છે.

તાજેતરમાં સાણંદ સાથે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં આ ફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાણીનો દૂરથી મારો કરવાની તાકાત સાથે તે પોતાના પર પણ પાણીનો છંટકાવ કરતો રહે છે. તેથી તે ઉંચા તાપમાને પણ પાંચ મિટરના અંતરે જઈને પોતાને ઠંડુ રાખી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવામાં સમર્થ છે.

છ પૈડા પર ચાલતો આ ફાયર રોબોટ ફાયર ટેન્કરથી ૫૦૦ મીટર સુધી દૂર જઈ શકે છે. દોઢ મીટર ઊંચા ઓટલા જેવા સ્ટ્રક્ચર પર પણ તે સરળતાથી ચડી શકે છે. આ રોબોટમાં પ્રતિ મીનિટ ૭૫ લિટર પાણી છંટકાવની ક્ષમતા ધરાવતાં ચાર હોઝ પાઈપ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. આ રોબોટની બેટરી દીર્ઘ સમય સુધી ચાલે તેવી છે.

ઉદાહરણ તરીકે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ફાયર રોબોટ દ્વારા સાત કલાક કાર્ય કરવામાં આવ્યું હતું છતાં, તેની બેટરીનો માત્ર ૩૦ ટકા જ વપરાશ થયો હતો. આ ફાયર રોબોટનો આગમાં લાંબા સમય સુધી વપરાશ કરી શકાય તે પ્રકારે બનાવવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ૩૦૦ મીટર દૂરથી આ ફાયર રોબોટનું સંચાલન કરી શકાય છે તેથી તે અમદાવાદ ફાયર સર્વિસ માટે મલ્ટિટાસ્કિંગ સાબિત થશે. ફાયર વિભાગને હજુ બે નવા ફાયર રોબોટ વસાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી પાસે માંગવામાં આવી છ. જાે કે, આ બંને ફાયર રોબોટ પ્રતિ મિનિટ ૨૦૦૦ લીટર પાણીનો છંટકાવ કરી શકે તેવા હશે પરંતુ તેનો છંટકાવ કરવાની ક્ષમતા ૧૦ કિલોગ્રામ પ્રેશરની હશે એટલે કે તે પાણી વધુ છાંટી શકશે પરંતુ તેનું પ્રેશર ઓછું રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આમ, હવે અમદાવાદમાં આકસ્મિક લાગતી આગ પર અત્યાધુનિક ફાયર રોબોટ દ્વારા સરળતાથી નિયંત્રણ મેળવી શકાશે. આથી, આગને કારણે મોટા પાયે થતી પાયમાલી અટકશે. ખૂબ નજીક જઈને આગ પર નિયંત્રણ મેળવી શકવાની ક્ષમતાને કારણે જાનમાલની ખુવારી પણ અટકાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.