Western Times News

Gujarati News

અટકળો પર પૂર્ણવિરામ! સચિન પાયલોટે કહ્યું કે – ભાજપમાં નહીં જોડાવું

નવી દિલ્હી, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોતની સરકાર હચમચી ઉઠી છે અને પ્રત્યેક ક્ષણ નવો વળાંક લઇ રહ્યો છે. રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે પહેલા એવી અટકળો વહેતી થઇ હતી કે પાયલોટ આજે ભાજમાં સામેલ થશે. જોકે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સચિન પયલોટે સ્પષ્ટ કહીં દીધું છે કે તેઓ ભાજપમાં નહીં જોડાય.

પાયલોટ ગઇ કાલે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં  સચિન પાયલટે રવિવારે પૂર્વ કોંગ્રેસી સાથી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લીધી હતી અને આશરે 40 મિનિટ સુધી તેમની બેઠક ચાલી હતી. ત્યાર બાદ સચિન પાયલટ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

રાજસ્થાન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને આ સંજોગોમાં દરેક પોત-પોતાનો દાવો કરી રહ્યા છે. સચિન પાયલટના જૂથે કરેલા દાવા પ્રમાણે તેમને 30 ધારાસભ્યોનું સમર્થન છે અને બીજા પણ તેમના સાથે જોડાઈ શકે છે. બહુ જલ્દી જ આ ધારાસભ્યો પોતાનું રાજીનામુ વિધાનસભા સ્પીકરને સોંપી શકે છે. આ તરફ કોંગ્રેસ આ દાવાને નકારી રહી છે પરંતુ રવિવારે રાત્રે અશોક ગેહલોતના નિવાસ સ્થાને જે બેઠક યોજાઈ તેમાં માત્ર 75 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો જ પહોંચ્યા હોવાથી કોંગ્રેસ સતર્ક બની ગઈ છે. સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે તેમને આશરે 30 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે અને તે તમામ હાલ સચિન પાયલટ સાથે જયપુરની બહાર છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ અને સાથી દળો પાસે પૂર્ણ બહુમત છે અને ભાજપ ઘણું દૂર છે. જો કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરી લે તો પણ રાજસ્થાન સરકાર પર કોઈ મોટું સંક્ટ નથી જણાઈ રહ્યું. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠક છે જેમાંથી કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે અને તે સિવાય તેને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. આ તરફ ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. જો સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે 30 ધારાસભ્ય પક્ષપલટો કરે તો અશોક ગેહલોત સરકાર સંકટમાં મુકાઈ શકે છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયથી જ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે આરપાર લડાઈ ચાલી રહી છે. પરંતુ વર્તમાન સમયમાં આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે અશોક ગેહલોતે ભાજપ પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો અને સાથે જ પાર્ટીની અંદરના કેટલાક ગદ્દારોને ચેતવ્યા. તેની તપાસ માટે એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેણે સચિન પાયલટને પુછપરછ માટે નોટિસ મોકલી દીધેલી. જો કે આવી નોટિસ મુખ્યમંત્રીને પણ મોકલાઈ હતી પરંતુ ત્યાર બાદ વિવાદ વધવા લાગ્યો. આ ઉપરાંત સચિન પાયલટનો પ્રદેશ અધ્યક્ષ પદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને રાજસ્થાનમાં પેટાચૂંટણી, પંચાયત ચૂંટણી પણ આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.