Western Times News

Gujarati News

શાહઆલમમાં એમ.ડી. ડ્રગ સાથે ત્રણ ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ તેમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને આપી દેવામાં આવી છે જેના પગલે ગુજરાતમાં રાજય સરકારે અનલોક-ર માં વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપતા હવે તેનો ગેરલાભ અસામાજિક તત્વો ઉઠાવી રહયા છે. અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે ક્રાઈમ રેટ વધી રહયો છે.

કોરોના મહામારી પહેલાની સ્થિતિ સર્જાવા લાગી છે શહેરમાં છેતરપીંડી, ચોરીની ઘટનાઓ વચ્ચે વિદેશી દારૂની હેરફેર પણ શરૂ થઈ ગઈ છે અને હવે ડ્રગ માફિયાઓ પણ સક્રિય બની ગયા છે. શહેરમાં ડ્રગની હેરાફેરીનું ચોંકાવનારું ષડયંત્ર બહાર આવ્યું છે. મહારાષ્ટ્રથી ત્રણ પેડલરો શહેરના શાહઆલમ વિસ્તારમાં ડ્રગ માફિયાઓને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવ્યા હતા.

પરંતુ આ સમગ્ર ષડયંત્રની જાણ અમદાવાદ ક્રાઈમબ્રાંચને થતાં વોચ ગોઠવીને આ ત્રણેય શખ્સોને રૂા.૩પ લાખ ઉપરાંતના ડ્રગના જથ્થા સાથે ઝડપી લઈ સ્થાનિક ડ્રગ માફિયાઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયમાં અનલોક-ર માં રાજય સરકારે વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપી દેતા હવે જનજીવન પુનઃ ધબકતુ થયું છે પરંતુ આ પરિસ્થિતિનો ગુનેગારો ગેરલાભ ઉઠાવવા લાગ્યા છે અમદાવાદ શહેરમાં ક્રાઈમરેટ વધતાની સાથે પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે શહેરમાં ફરી એક વખત ચીલઝડપ કરતી ગેંગ સક્રિય બની છે.

શહેરમાંથી ઘરફોડ ચોરી તથા લુંટની ઘટનાઓ વધવા લાગતા ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક પોલીસને જરૂરી સુચનો કર્યાં છે આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચ પણ એલર્ટ થઈ ગયું છે. આ દરમિયાનમાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરમાં અન્ય રાજયમાંથી ડ્રગના જથ્થાની ડિલીવરી થવાની છે આ બાતમી મળતા જ ક્રાઈમબ્રાંચની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને શહેરભરમાં વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાનમાં ચોકકસ બાતમી મળી હતી કે શહેરના શાહઆલમ વિસ્તારમાં આ ડિલીવરી થવાની છે જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓની આગેવાનીમાં જુદી જુદી ટીમો શાહઆલમ વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

આ દરમિયાનમાં ત્રણ શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને આ ત્રણેય શખ્સોને કોર્ડન કરી તેઓની પુછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી શકયા ન હતા જેના પરિણામે ત્રણેયની અટકાયત કરી તેમની ઝડતી લેવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી આ શખ્સો પાસે એક થેલો હતો તેમાંથી પેકેટો મળી આવ્યા હતા.

આ પેકેટો ખોલતા જ અંદરથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અંદાજે ૩પ લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે આ ત્રણેય આરોપીઓને ક્રાઈમબ્રાંચ ઓફિસે લઈ જવાયા હતા અને ત્યાં તેઓની પુછપરછ કરતા ત્રણેય આરોપીઓએ કબુલ્યુ હતું કે તેઓ આ જથ્થો અમદાવાદના ડ્રગ માફિયાઓને પહોચાડવાનો હતો અને તેઓ પેડલર તરીકે કામ કરી રહયા છે. આરોપીઓની પુછપરછમાં કેટલાક સ્થાનિક શખ્સોના નામો ખુલ્યા છે જેઓને ઝડપી લેવા માટે ક્રાઈમબ્રાંચની ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં ડ્રગની હેરાફેરીનું ષડયંત્ર બહાર આવતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તાત્કાલિક પેડલરોની પુછપરછ બાદ શહેરભરમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે શહેરના કેટલાક ડ્રગ માફિયાઓના નામો પણ બહાર આવ્યા છે જેના આધારે ક્રાઈમબ્રાંચે સફળ કામગીરી કરી હોવાનું જાણવા મળી રહયું છે અને સાંજ સુધીમાં ક્રાઈમબ્રાંચ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવનાર છે ક્રાઈમબ્રાંચ દ્વારા રાતભર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને એકની અમદાવાદમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.