Western Times News

Gujarati News

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાની હોસ્પિટલમાં શ્રેય હોસ્પિટલ વાળી થાય તો નવાઈ નહિ

મોડાસા-વાત્રક બંને કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ 
પ્રતિનિધિ દ્વારા:ભિલોડા :  અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરૂવારે વહેલી સવારે થયેલા અગ્નિકાંડમાં ૮ લોકો પોતાના બેડ પર જીવતા ભડથું થઈ ગયા હતા. ત્યાર બાદ ભારે હોબાળો બાદ ફાયર વિભાગના અધિકારીઓ અને સરકારી તંત્રની ઊંઘ ઉડી હોય તેમ સમગ્ર રાજ્યની તમામ ખાનગી અને સહકારી હોસ્પિટલોમાં ફાયર એન.ઓસી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા શહેરની અને જીલ્લાની ખાનગી અને મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં ફાયર એન.ઓસી નથી,તેમ છતાં તંત્રની રહેમનજરે ધમધમાટ ચાલી રહી છે.મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં પણ ફયાર સેફટી માટે અગ્નિશામક ફાયર સિલિન્ડરના બોટલ મુકી રાખવામાં આવી છે.સરકારી ગાઈડલાઈન પ્રમાણેની ફાયર સેફટી નો કોવીડ-૧૯ હોસ્પિટલમાં અભાવ હોવાનું સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ખાતામાં ચાલતી લાલીયાવાડી ઉજાગર થઈ છે.જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલી એક પણ ખાનગી કે ટ્રસ્ટની હોસ્પિટલ ફાયર સેફટીનું એન.ઓ.સી.ધરાવતી નથી ? મોટાભાગની હોસ્પિટલો નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમને કયારે ફાયર એન.ઓ.સી.મળી શકે તેમ નથી.

મોડાસા શહેરમાં આવેલી નાની-મોટી ૭૦ થી વધુ હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી.ધરાવતી ન હોઈ આરોગ્ય તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા. એક વર્ષ પહેલા સુરત તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બાદ સરકાર સફાળી જાગી અને ટયુશન કલાસીસ, હોસ્પિટલો, હોટલ, ફેકટરીઓ, એપાર્ટમેન્ટો સહિતના એકમોને સેફટી સિસ્ટમ લગાડીને તે અંગેનું એન.ઓ.સી.સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત બનાવી દીધું હતું.શરૂઆતમાં નગરપાલિકાએ દોડધામ કરી હતી.

પરંતુ પછી થી જૈસે થે ની સ્થિતિ સર્જાઈ છે.અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધમધમતી મોટાભાગની હોસ્પિટલો પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી. સર્ટિફિકેટ નથી.શહેરની કેટલીક હોસ્પિટલોમાં ઈમરજન્સી એક્ઝિટ ની વ્યવસ્થા નથી.એન્ટ્રી અને એક્ઝિટ એકજ ઠેકાણે થી થઈ શકે છે.હોસ્પિટલોના દરેક માળ નિયમ મુજબ ની પહોળાઈ કે પેસેજ નથી.એર સરકયુલેશનની પુરતી વ્યવસ્થા નથી

મોટા ભાગની હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમ મુજબની સિસ્ટમ નથી.તો કયાંક ફાયર સેફટી માત્ર શોભાના ગાંઠીયા સમાન છે.  જયારે અરવલ્લી જિલ્લો આરોગ્યની દ્દષ્ટિએ અવ્વલ છે  જેને કારણે અહી રાજસ્થાનથી દર્દીઓ સારવાર કરાવવા માટે આવતાં હોય છે.પણ તેઓ હાલ જીવના જોખમે અહી સારવાર લઈ રહયા હોય તેવું લાગી રહયું છે. મોડાસા શહેરમાં ધમધમતી ૭૦ થી વધુ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં  ફાયર સેફટીની એન.ઓ.સી. ન હોવાની માહિતી નગરપાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
મોડાસા અને વાત્રક બંને કોવિડ-૧૯ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ  
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં કોરોના સામે લડી રહેલા ૮ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.હોસ્પિટલના મેનેજમેન્ટની બેદરકારી સામે રાજયભરના લોકોમાં પારાવાર રોષની લાગણી જન્મી છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા બે કોવિડ-૧૯ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળતા શ્રેય હોસ્પિટલ વાળી ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહિ આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.  લી.જીત હરેશભાઈ ત્રિવેદી, ભિલોડા, જી.અરવલ્લી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.