Western Times News

Gujarati News

આડબંધ દ્વારા વરસાદી પાણીના સંગ્રહથી ભોગાવો નદી પુનર્જીવિત કરાઇ

ભોગાવો નદીમાં ૧૨૭ મીલીયન ક્યુબીક ફીટ વરસાદી પાણીનો સંગ્રહ થતાં ભોળાદ સહિત અંદાજે ૧૦ જેટલા ગામોની ૧૧ હજાર એકર જમીનને સિંચાઇનો પરોક્ષ લાભ મળશે

આડબંધના કારણે દરિયાની ભરતીના પાણીથી નદીમાં ફેલાઇ જતી  દરિયાઇ ખારાશ  હવે અટકતાં  ભૂગર્ભ જળ પણ મીઠા થશે અને જમીન નવસાધ્ય બનશે

સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં જો એક સરસ મજાનો આડબંધ બંધાઇ જાય અને ઉપરવાસમાં માત્ર ત્રણ-ચાર ઇંચ જેટલો વરસાદ થાય તો સૂકી ભઠ્ઠ નદી જળસંચયના પરિણામે કેવી પુનર્જીવિત થઇ જાય તેનું સરસ મજાનું ઉદાહરણ ધોળકા તાલુકાના ભોળાદ સહિત અન્ય દસેક જેટલા ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણભોગાવો નદી છે.

જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પરિણામે અને ભોળાદ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા ૩૦૦ મીટર લંબાઇનો આડબંધ બંધાવાના કારણે આ સૂકીભઠ્ઠ ભોગાવો નદી જાણે કે પુનર્જીવન પામી છે. માત્ર ભોળાદ જ નહીં પરંતુ અન્ય ગામો પાસેથી વહેતી આ ભોગાવો નદી અંદાજે ૨૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં આજે પણ બે કાંઠે વહેતી જોવા મળે છે.

આ નદી પર આડબંધ બંધાતા ભોળાદથી અંદાજે ૪-૫ કિલોમીટર દૂર આવેલા દરિયાની અવારનવાર આવતી ભરતીના કારણે સામાન્ય દિવસોમાં આ ગામડાઓની સીમમાં ભૂગર્ભ દરિયાઇ પાણીના કારણે જે ખારાશ પ્રસરી ગયેલી અને નદીના પાણી પણ ખારા થઇ જતાં એ સમસ્યા આગામી વર્ષોમાં ધીમે ધીમે ઉકેલાતી જશે, તેવું ગ્રામજનોનું કહેવું છે.

ભોળાદ પાસેના આડબંધનાકારણે નદીના ૨૦ કિલોમીટર વિસ્તારમાં ૧૨૭ એમ.સી.એફ.ટી.(મીલીયન ક્યુબીક ફીટ) વરસાદી પાણીનો જળસંગ્રહ થયો છે. તેના કારણે ધોળકા તાલુકાના બુરહાનપુર, ભોળાદ, લોલીયા, ધનાળા, સમાણી, ઉટેલીયા, ગુંદી, સરગવાડા, ફેદરાઅને પીપળી સહિતના અન્ય ગામોની સીમની અંદાજે ૧૧ હજાર એકર જમીનને સિંચાઇનો પરોક્ષ લાભ મળશે. સમુદ્ર માંથી ભરતીના કારણે સર્જાતી ખારાશ અટકશે અને ખેતીની જમીન નવસાધ્ય બનશે.

ગ્રામજનોના કહેવા પ્રમાણે જ્યારે આ આડબંધ નહોતો ત્યારે વરસાદના દિવસોમાં નદી બે કાંઠે થતી પરંતુ થોડા જ સમયમાં આ બધું જ પાણી ભોળાદ પાસેના દરિયામાં વહી જતું હતું. નવરાત્રી, દિવાળી પછી માનો કે નદીમાં પાણી હોત પરંતુ દરિયાની ભરતીના કારણે દરિયાઇ પાણી આ વિસ્તાર સુધી આવવાના કારણે આ બધું જ પાણી ખારું થઇ જવાથી તેનો કોઇ રીતે ઉપયોગ ખેતીમાં થઇ શકતો ન હતો. આથી માત્ર વરસાદી ખેતી જ આ વિસ્તારમાં થતી હતી. પરંતુ હવે વરસાદના પાણીના સંગ્રહના કારણે અને બીજી તરફ આડબંધના કારણે ભરતીના ખારા પાણી નદીના પાણીમાં પ્રવેશતા અટકવાના કારણે વરસાદી પાણીનો ખાસ કરીને રવી મોસમમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઇ શકશે.

આ વિસ્તારમાં મોટે ભાગે નવરાત્રી-દિવાળી પછી ભાલીયા ઘઉંનું વાવેતર થતું હોય છે. હવે પહેલા વરસાદી આધારિત ખેતીના કારણે એકરે દસ-પંદર ઘઉંનો ઉતારો  મળતો તે હવે સરેરાશ ૩૦ થી ૩૫ મણનો ઉતારો ખેડૂતને સહેજે મળશે. કોઇને કપાસ વાવવો હશે તો કપાસનું વાવેતર પણ આગામી વર્ષોમાં કરી શકાશે. બાકી ઘઉં અને ચણાનું મબલક ઉત્પાદન ખેડૂતો મેળવી શકતા આ સમગ્ર વિસ્તારના કૃષિ અર્થતંત્રનેવેગ મળશે. પશુપાલનને પણ ખાસ કરીને લીલો ઘાસચારો મળી રહેવાથી પશુઓની દૂધ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે.

ગ્રામજનોના કહેવા પ્રમાણે આ વિસ્તારના પ્રતિનિધિ અને રાજ્યના વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયાસો અને સિંચાઇ વિભાગની સતત જહેમત અને હકારાત્મક અભિગમને કારણે ભોળાદ પાસે ભોગાવો નદી પર આડબંધનું કામ શક્ય બન્યું છે. સામાન્ય સંજોગોમાં અહીં આડબંધ બાંધવો લગભગ મુશ્કેલ હતો. અંદાજે રૂા. ૩૮૬ લાખના ખર્ચે ભોગાવો પાસે આડબંધ બંધાયો. તો એવો જ પરંતુ માટીનો કાચો આડબંધ લોલીયા પાસે પણ બંધાવ્યો છે.આ કાચા આડબંધના કારણે લોલીયા પાસેની ઓમકાર નદી પણ બે કાંઠે વહેતી જોવા મળે છે. ભોળાદ પાસેના આડબંધનું ખાતમુહૂર્ત ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થયું હતું.

આ આડબંધ ૩૦૦ મીટરની લંબાઇમાં અને ૯.૭૦ મીટરની ઉંડાઇની આર.સી.સી.ની દિવાલ દ્વારા બંધાયો છે. જેની જાડાઇની દિવાલ ૬૦ સેમી. થવા જાય છે. નદીના કાંઠાના સંરક્ષણ માટે ગેબીયન વોલ સહિતનું સ્ટ્રકચર તૈયાર કરાયું છે. ઉપરાંત સ્પેશિયલ પ્રકારના મશીન દ્વારા ડાયાફ્રેમ દિવાલ બનાવવાની કામગીરી પણ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ આડબંધ તૈયાર કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.