Western Times News

Gujarati News

એલીસબ્રીજમાં યુવાન સિગારેટ પીવા ગયો ને તસ્કરો ડેકી તોડી પાંચ લાખની રોકડ લઈ ફરાર

ધોળે દિવસે ઘટના બની : સીસીટીવી કુટેજમાં બે ઈસમો કેદ : પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) અમદાવાદ  શહેરમાં હાલમાં ચોરીની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે ત્યારે એલીસબ્રીજ વિસ્તારમાં એકટીવા પાર્ક કરી સિગારેટ પીવા જવાનું એક યુવાનને મોંઘુ પડ્યું હતું. યુવાન સિગારેટ પીવા ગયો એ દરમિયાન તેની પાછળ આવેલા બે શખ્સો એક્ટિવાની ડેકીનું લોક તોડીને પાંચ લાખની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ ઘટનાની વિગત એવી છે કે રાહુલભાઈ રમેશચંદ્ર પરીખ સ્વસ્તિક બંગ્લોઝ, રાયપુર મીલ કંપાઉન્ડ, સરસપુર ખાતે રહે છે તેમના મિત્ર તરુણભાઈ સાધુની ઓફીસ ટી.એસ એન્ટરપ્રાઈઝ, કેપસ્ટોન બિલ્ડીંગ, કલીગી ચાર રસ્તા એલીસબ્રીજ ખાતે આવેલી છે. શુક્રવારે પાંચ વાગ્યે રાહુલભાઈ તરુણભાઈની ઓફીસે ગયા હતા જયાં તરુણભાઈના મિત્ર જીગરભાઈ પણ હાજર હતા ત્યારે તરુણભાઈએ રાહુલભાઈને સી.જી.રોડ પર આવેલી એચ.કે. આંગડીયા પેઢીમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ લઈ આવવાનું કહયુ હતું

જેથી રાહુલભાઈ જીગરભાઈની એક્ટિવા લઈ એચ.કે. આંગડીયાની ઓફીસે ગયા હતા જયાંથી રૂપિયા પાંચ લાખની રોકડ થેલીમાં મુકી તે થેલી એક્ટિવાની ડેકીમાં મુકી હતી. બાદમાં મીઠાખળીથી નગરી હોસ્પીટલ થઈ રાહુલભાઈ ઈન્ટર રેસીડેન્સીથી કલગી ચાર રસ્તા તરફ વળ્યા હતા વચ્ચે ટીસી રેસ્ટોરન્ટ આગળ રોડ પર આવેલા પાનના ગલ્લે સીગારેટ પીવા ઉભા રહયા હતા જાેકે સીગારેટ પીને પરત ફરતા જ એક્ટિવાની ડેકી ખુલ્લી મળી હતી જેની તપાસ કરતા તેમાંથી રૂપિયા ભરેલી થેલી ગાયબ હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા રાહુલભાઈએ તુર્ત જ તરુણભાઈને જાણ કરી હતી

જેથી તે પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. આ અંગે તેમણે ગલ્લાના વેપારી તથા આસપાસ બેઠેલા લોકોને પુછી જાેયું હતું જાેકે કોઈને આ બનાવની જાણકારી નહોતી. જેથી ટીસી રેસ્ટોરન્ટના સીસીટીવી કુટેજ તપાસતા મોટરસાયકલ પર આવેલા બે ઈસમો એક્ટિવાની ડેકી તોડી રૂપિયા ચોરીને કલગી ચાર રસ્તા તરફ જતાં કેદ થયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ટોરન્ટના સીસીટીવી કુટેજને આધારે તસ્કરોની ઓળખ હાથ ધરી છે. બીજી તરફ આસપાસના લોકોની પણ પુછપરછ શરૂ કરી છે. ગણતરીની મિનીટોમાં જ આટલી મોટી રકમની ચોરી થતાં પોલીસ તથા નાગરીકો પણ ચોંકી ઉઠયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.