Western Times News

Gujarati News

બાળા વાર્તાની રાજકુવરીની માફક વધી રહેલા ખાડા

પ્રતિકાત્મક

શહેરમાં માત્ર પાંચ દિવસમાં ખાડાની સંખ્યા બમણી થઈ

દેવેન્દ્ર શાહ દ્વારા(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદના રોડ- રસ્તાનું વધુ એક વખત ભારે ધોવાણ થયુ છે. શહેરીજનો ખાડાની વચ્ચે રોડ શોધી રહયા છે. શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમ્યાન થયેલા વરસાદના પરીણામે ખાડાની સંખ્યા પણ બમણી થઈ છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા રોજ ૭૦૦ થી ૮૦૦ ખાડા ભરવામાં આવી રહયા છે પરંતુ આ વરસે વરૂણદેવ પણ ઈજનેર અધિકારીઓની પરીક્ષા લઈ રહયા હોય તેમ લાગે છે. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા જે ખાડા ભરવામાં આવે છે તે વરસાદના એકાદ-બે ઝાપટામાં જ ખુલી જાય છે. જેના કારણે ખાડા મામલે “દળી દળી ને કુલડીમા” જેવો ઘાટ થયો છે.

અમદાવાદ શહેરમાં ખાડાઓની સંખ્યા બાળવાર્તા રાજકુમારીની જેમ વધી રહયા છે. “દિવસે ન વધે તેટલા રાત્રે અને રાત્રે ન વધે તેટલા દિવસે” વધી રહયા છે. મ્યુનિ. ઈજનેરખાતાના અહેવાલ મુજબ રપ ઓગસ્ટ સુધી ૭૩પ૯ ખાડા ભરવામાં આવ્યા હતા તથા ર૧રર ખાડા પુરવાના બાકી હતા જયારે ૩૦ ઓગસ્ટ સુધી ભરવામાં આવેલા ખાડાની સંખ્યા ૧ર૩૭૮ થઈ છે આમ માત્ર પાંચ દિવસમાં જ ભરેલા ખાડાની સંખ્યા લગભગ બમણી થઈ છે રપ ઓગસ્ટે કુલ ખાડા ૯૪૮૧ હતા.૩૦ ઓગસ્ટના રીપોર્ટ મુજબ કુલ ખાડાની સંખ્યા પણ વધીને ૧૭ હજાર જેટલી થઈ છે. શહેરમાં સતત વધી રહેલ ખાડાની સંખ્યા માટે રોડની ગુણવત્તા જવાબદાર છે તે નક્કર સત્ય છે. પરંતુ ખાડા પુરવા માટે “વેટમીક્ષ”નો ઉપયોગ થઈ રહયો છે તે પણ સરખા હિસ્સે જવાબદાર છે.

મ્યુનિ. સત્તાધીશો દ્વારા ચૂંટણીના કારણે રોડ ના ખાડા પુરવા માટે દબાણ થઈ રહયા છે. જેના કારણે વરસતા વરસાદમાં પણ વેટમીક્ષ નાંખીને ખાડા પુરવામાં આવી રહયા છે જે ગણત્રીના કલાકમાં ખુલી જાય છે. ઈજનેર ખાતા દ્વારા જે ખાડા દિવસ દરમ્યાન ભરવામાં આવે છે તે માત્ર ૧ર થી ૧પ કલાક જ રહે છે. વરસાદ ન હોય તો વેટમીક્ષ નાંખીને ભરેલા ખાડા પર પેચવર્ક કરી શકાય છે પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહયો હોવાથી એક જ સ્થળે બે-બે વખત ખાડા પુરવામાં આવી રહયા છે તથા ભરેલા ખાડાની સંખ્યામાં વધારો જાેવા મળે છે. ર૦૧૯-ર૦માં પણ રોડ- રસ્તા બિસ્માર બની ગયા હતા તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે માત્ર ત્રણ દિવસમાં “ખાડા પુરો અથવા સજા માટે તૈયાર રહો”નું ફરમાન કર્યુ હતું જેના કારણે બે દિવસમાં જ ૧૮ હજાર ખાડા ભરવામાં આવ્યા હતા તથા સમગ્ર વર્ષ દરમ્યાન પર૮૧૬ ચો.મીટરનું પેચવર્ક કર્યુ હતું જેની સામે ચાલુ વરસે માત્ર ર૦ દિવસમાં જ રપ,પ૦૦ ચો.મી.નું પેચવર્ક થયુ છે. આમ ગત્‌ વર્ષની સરખામણીમાં ખાડા પુરવાના કામમાં ઝડપ આવી છે સાથે સાથે જે પ્રમાણે પેચવર્ક થયા છે તે મુજબ ખાડાની સંખ્યા ગત્‌ વર્ષ કરતા વધારે હોવાનું અનુમાન છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉત્તરઝોનમાં ૧૩૪૪, પશ્ચિમ ઝોનમાં ૧ર૮૯, ઉત્તર પશ્ચિમ ઝોનમાં પ૪પ, મધ્યઝોનમાં પ૩પ, દક્ષિણ ઝોનમાં ૯૦૬, પશ્ચિમ ઝોનમાં ૮૧પ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૮૪૦ ખાડા પુરવામાં આવ્યા છે જયારે ૩૧ ઓગસ્ટે વરસાદના કારણે બહુ ઓછી સંખ્યામાં ખાડા પુરાણ થયુ છે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં ખાડાયુક્ત અમદાવાદની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ પણ તેનો સહર્ષ સ્વીકાર કર્યો છે. તેમ છતાં ગત વર્ષ કરતા ખાડાની સંખ્યામાં વધારો થયો છે. ર૦૧૯-ર૦માં જેટ પેચર તથા ઈન્ફારેડ ટેકનોલોજીથી ખાડા પુરવામાં આવ્યા હતા. ર૦ર૦-ર૧માં પણ આ જ પધ્ધતિથી ખાડા પુરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી જેટ પેયરનો પુરતો ઉપયોગ થયો નથી નિષ્ણાંતોના મંતવ્ય મુજબ શહેરમાં જે રીતે ખાડાની સંખ્યા વધી રહી છે તે જાેતા જેટ પેચર મશીનની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ ઝોન દીઠ એક જેટ પેચર ઉપલબ્ધ છે. જેટ પેચરથી રોજ સરેરાશ ૧પ૦થી ૧૬૦ ચો.મીટર કામ થાય છે. જેટ પેચરની સંખ્યા ઓછી હોવાના કારણે ખાડા પુરવાની ઝડપમાં ઘટાડો થાય છે. હાલ જે રીતે વેટમીક્ષથી ખાડા પુરવામાં આવી રહયા છે તેનાથી લગભગ ૩૦ ટકા ખાડા જ એક દિવસમાં ભરી શકાય છે. નાણાકીય કટોકટીના કારણે સ્માર્ટસીટી અંતર્ગત ખાડા પુરવા માટે જે સિસ્ટમનો ઉપયોગ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો તે કામને પણ અભરાઈએ મુકવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશ્નરે તો પીરાણા ડમ્પ સાઈટના ડેબરીઝથી ખાડા પુરવા આદેશ આપ્યા હતા જે હાલના સંજાેગોમાં વાસ્તવિક નથી. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં આર.સી.સી.રોડ, માઈક્રો રીસરફેસ સહીત અનેક લોભામણી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ વરસાદી ઝાપટા અને કમિશ્નરની બદલી સાથે જ “રાત ગઈ બાત ગઈ” જેવો ઘાટ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.