Western Times News

Gujarati News

આર્થિક સંકળામણને લઇ યુવા શાળા સંચાલકની આત્મહત્યા

સુરત: સુરત શહેરના પાલીગામના ખાનગી શાળાના યુવા સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્કૂલ ચલાવવા યુવા સંચાલકે ૬૬ લાખની લોન લીધી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીમાં લોનના હપ્તા ભરી શકતા ન હોવાથી પોતે માનસિક તાણમાં આવી પોતાનું જીવન સંકેલી લીધું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ગ્રામપુરાચી ગામના વતની અને સચિન વિસ્તારમાં આવેલ સિટી હોમ્સ સોસાયટી નજીક રાજ અભિષેકમાં રહેતા ૩૧ વર્ષિય પુનિતભાઈ ત્રિવેણીપ્રસાદ શુક્લા પાલીગામમાં બ્રાઇટ સ્ટાર નામની સ્કૂલ ચલાવી રહ્યા હતા.

પુનિતે જાન્યુઆરી મહિનામાં સ્કૂલ ચલાવવા માટે ૬૬ લાખની લોન લીધી હતી. જે દર મહિને ૧.૬૦ લાખ રૂપિયાના હપ્તા ભરતા હતા. શરૂઆતમાં તો પોતે લોનના હપ્તા ભરીને ગુજરાન ચલાવી રહ્યા હતા. એવામાં કોરોના વાયરસની મહામારી ચાલુ થતા શહેરની તમામ સ્કૂલ બંધ થઈ ગઈ હોવાથી પુનિતભાઈને કોઈ પણ આવક મળતી ન હતી. જેથી પોતે વારંવાર માનસિક તાણમાં આવી જતા હતા.

ઉપરાંત પોતે લોનનો ૧.૬૦ લાખનો હપ્તો કઈ રીતે ભરશે તથા પોતે પરિવારનું ભરણ-પોષણ કઈ રીતે કરશે તેની ચિંતા વારંવાર સતાવતી હતી. જેના કારણે પુનિતે પોતાના ઘરે છતના હુક સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુનિત પોતાની દીકરી અને પત્ની સાથે સચિનમાં રહેતો હતો. જયારે પુનિતના માતા-પિતા પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.