Western Times News

Gujarati News

એપ પ્રતિબંધ બાદ હવે ચાઈનિઝ લોકોના વિઝા અંગે પણ કડકાઈ

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે વધુ એક આકરો ર્નિણય લીધો છે. ભારતે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના એક સિનિયર અધિકારીની અધ્યક્ષતાવાળા બિનસરકારી સંગઠન (એનજીઓ)ના લોકોની વિઝા અરજીની કડક તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચાઈનિઝ એસોસિયેશન ફોર ઈન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ (સીએઆઈએફયુ) પર નજર એવા સમયે રાખવામાં આવી રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત તણાવ ભરેલા છે.

ભારતે બુધવારે જ ૧૧૮ ચાઈનિઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લાગવી દીધો છે. આ ઉપરાંત ભારત સરકારે ચીનની કંપનીઓ દ્વારા કરવામાં આવતા રોકાણના માપદંડો અને નિયમો વધારે કડક બનાવી દીધા છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર ચીનની જે એનજીઓ સાથે જોડાયેલા લોકોની વિઝા એપ્લિકેશનને સ્ક્રુટીની કરવા જઈ રહી છે તેના સંબંધ કોમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ સાથે છે. યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ ચીનની બહાર નેતાઓ, થિંક ટેન્કના સભ્યો અને મીડિયાને પ્રભાવિત કરવાનું કામ કરે છે.

આ મામલા સાથે જોડાયેલા બે અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત સરકારે એક ઈન્ટરનલ મેમોમાં આ એનજીઓને ચિંતા ઊભી કરનારી ગણાવી છે. સાથે જ સરકારે તે વાતના પણ સંકેત આપ્યા છે કે આ એનજીઓની ગતિવિધિઓ ભારતના રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ હોઈ શકે છે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે ભારત સરકારના આ ર્નિણય બાદ એનજીઓના પ્રતિનિધિઓ અથવા તેમના સમર્થક ગ્રૂપો સાથે જોડાયેલા લોકોને વિઝા લેવા માટે અત્યંત મુશ્કેલ તપાસમાંથી પસાર થવું પડશે. અધિકારીએ કહ્યું છે કે ભલે વિઝા માટે અજી કરનારા થિંક ટેન્કર્સ હોય કે વેપારી તેમની વિઝા અરજીની અત્યંત ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ એનજીઓના વડા નેશનલ પીપલ્સ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જી બિંગક્સુઆન છે. મંત્રાલયે કહ્યું છે કે એનજીઓ બિનનફાકારક છે અને તમામ દેશોના સામાજિક સંગઠનો સાતે વાતચીત કરે છે. મંત્રાલયે કહ્યું છે કે આ એનજીઓનો ઉદ્દેશ્ય ચીનના લોકો અને ભારત સહિત વિશ્વના અન્ય દેશોના લોકો વચ્ચે મિત્રતા તથા પરસ્પર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું છે કે આ એનજીઓ સંસ્કૃતિઓ અને સભ્યતાઓ વચ્ચે આદાન-પ્રદાનને પ્રોત્સાહન પણ આપે છે.

હાલમાં ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદે તણાવ ચાલી રહ્યો છે. ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને ત્યારબાદ આ તણાવ વધી ગયો છે. ચીન ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. બીજી તરફ ભારત ચીનની કંપનીઓ સામે કડક પગલા ભરી રહી છે. ભારતે બુધવારે લોકપ્રિય મોબાઈલ એપ પબજી સહિત ૧૧૮ એપ પર પ્રતિબંધ મૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.