Western Times News

Latest News from Gujarat

યુવકે અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્નિ પર ત્રાસ ગુજાર્યો

અમદાવાદ: શહેરના સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદ છે કે પતિનો અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેણે મને કોઇ જ વાતની જાણ કર્યા વગર મને પિયરથી લેવા આવ્યો નહીંં અને મારો સામાન પિયર કુરિયર કરી દીધો. ઘટના એમ બની હતી કે, આ યુવતી ડિવોર્સી હતી અને બાદમાં મેટ્રિમોનિયલ સાઈટ પરથી તેણે એક યુવક સાથે સંપર્ક કરી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવકે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખી તેની પત્ની પર ત્રાસ ગુજાર્યો હતો. લગ્ન બાદ આ યુવતીને કસુવાવડ થઈ

ત્યારે તેને પિયર મોકલ્યા બાદ પરત તેડવા આવ્યો ન હતો અને તમામ સામાન તેને પિયરમાં કુરીયર મારફતે મોકલી દીધો હતો. જેથી કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે મુંબઈના યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના સરદારનગર ખાતે રહેતી ૩૬ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૦૭માં પહેલા લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ના રહેતા વર્ષ ૨૦૧૧માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ સાદી.કોમ ઉપર પ્રોફાઈલ બનાવી હતી અને તે દરમિયાન ૨૦૧૫માં મુંબઈના એક યુવક સાથે તેનો સંપર્ક થયો હતો. આ જે યુવક હતો તે પણ ડિવોર્સી હોવાથી આ યુવતી એ યુવક સાથે ફોન પર વાતચીત અને વોટ્‌સએપ ચેટિંગ શરૂ કર્યું હતું.

બાદમાં વર્ષ ૨૦૧૫માં યુવકના ઘરે થી આ યુવતીને જોવા માટે અમદાવાદ તેનો પરિવાર આવ્યો હતો અને બાદમાં લગ્ન નક્કી કર્યા હતા. બાદમાં આ યુવતી પતિ સાથે મુંબઈ રહેવા ગઇ હતી. લગ્નના છ એક મહિના બાદ યુવતીને જાણવા મળ્યું કે, તેના પતિ અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. જેથી તે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા કહેતી ત્યારે તેનો પતિ તેને માર મારતો હતો. એટલું જ નહીં લગ્ન બાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેને કસુવાવડ થઇ ગઇ હતી અને તે દરમિયાન તેના પાળતૂ કૂતરૂ પણ મૃત્યુ પામ્યું હતું. જેના કારણે તે માનસિક આઘાતમાં હતી જેથી તેના પતિએ તેને થોડો સમય પિયરમાં માનસિક શાંતિ માટે રહી આવવા કહ્યું હતું અને યુવતી બાદમાં તેના પિયર રહેવા ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેનો પતિ તેને પરત લેવા આવ્યો જ નહોતો.