Western Times News

Gujarati News

કોવિડ વિજય રથ દ્વારા પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહ્યું છે જાગૃતતા અભિયાન

માહિતી બ્યુરો, પાટણ  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો દ્વારા ૭ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં શરૂ થયેલ કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા રાજ્યમાં વર્તમાનમાં ૫ કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે. રથ પર સવાર કલાકારો કોવિડ માર્ગદર્શિકાના યોગ્ય પાલન સાથે તેમજ સામાજિક અંતર જાળવી પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આ ૫ રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે.

આ અભિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ સુપેરે ચાલી રહ્યું હતું. ત્યારબાદ કોવિડ વિજય રથ નો પ્રવેશ પાટણ જિલ્લામાં થયો છે. આજ રોજ સમી, હારીજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી તેમજ સરકારશ્રીની આત્મનિર્ભર ભારત, ગરીબ કલ્યાણ યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે, સમી સેવા સદન ખાતે થી મામલતદારશ્રી ડી.એમ.પરમાર તથા અગ્રણી મહાનુભાવોની હાજરીમાં લીલીઝંડી આપી વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

સમી તથા હારીજ શહેરના વિસ્તારો જેવાકે સેવા સદન, વોરા વાસ, વણકર વાસ, જૂનું બસ સ્ટેન્ડ, દેવીપૂજક વાસ, એ.પી.એમ.સી, સોમનાથ સોસાયટી, ઈન્દીરા નગર જેવા શહેરી તેમજ જીલવાણા, કઠીવાડા, સરવાલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હોમિયોપેથીક દવા તેમજ માસ્ક વિતરણ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ વિજય રથની સફળ યાત્રાના સકારાત્મક પ્રતિભાવો પણ લોકો એ આપ્યા હતા.

રથ સાથે રહેલા કલાકારો લોકો સમજી શકે તેવી સરળ અને હળવીશૈલીમાં કલાના માધ્યમથી વિવિધ સંદેશ ફેલાવી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે. પ્રતિદિન ૬૦ કિલોમીટરના વિસ્તારમાં આ રથ ફરી રહ્યો છે અને કોવિડ-૧૯ જાગરૂકતા અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.