Western Times News

Gujarati News

એપ્રિલથી જૂન સુધીમાં સરકારી બેંકોમાં ૨૦૦૦૦ કરોડનાં ફ્રોડ

SBIમાં ૨,૦૫૦ છેતરપિંડીના કેસો નોંધાયા-દેશની સૌથી મોટી SBIમાં કૌભાંડોના બનાવો સૌથી વધુ
નવી દિલ્હી, સરકારી બેન્કોમાં ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં રૂપિયા ૧૯,૯૬૪ કરોડનાં કૌભાંડ થયાં હોવાનું આરબીઆઈએ એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે. આરબીઆઈના મતે આ ગાળામાં ફ્રોડના કુલ ૨,૮૬૭ કેસો નોંધાયા હતા. સૌથી મોટી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ફ્રોડના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ  (RBI) જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું.

આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી. દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં ૨,૦૫૦ છેતરપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન ૨૦૨૦માં ૨,૩૨૫.૮૮ કરોડની છેતરપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. ૫,૧૨૪.૮૭ કરોડના ૪૭ ફ્રોડ કેસ નોંધાયા હતા. કેનેરા બેન્કમાં ૩૩ કેસમાં રૂ. ૩,૮૮૫.૨૬ કરોડનું ફ્રોડ થયું હતું.

બેન્ક ઓફ બરોડામાં (BoB) ૬૦ કેસ દ્વારા રૂ. ૨,૮૪૨.૯૪ કરોડની છેતરપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં ૪૫ કેસમાં રૂ. ૧,૪૬૯.૭૯ કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ૩૭ કેસમાં રૂ. ૧,૨૦૭.૬૫ કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ૯ કેસમાં રૂ. ૧,૧૪૦.૩૭ કરોડની છેતરપિંડી થઈ હતી. પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું. કુલ ૨૪૦ કેસમાં રૂ. ૨૭૦.૬૫ કરોડની છેતરપિંડી થઈ હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું હતું કે જરૂરી અપડેટ અને સુધારાના અવકાશને જોતા આ આંકડામાં ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જો કે આ ફ્રોડની રકમ બેન્કોેની નોંધાયેલી કુલ ખોટનો હિસ્સો નથી. જો કે બેન્કમાં ઋણ લેનારના ખાતામાં જે રકમ દર્શાવવામાં આવી છે તે લેનાર વ્યક્તિ અથવા ફ્રોડ કરનાર દ્વારા બાકી રકમ હોવાનું જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.