Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશનને અધિક માસ ફળ્યો

File

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ,  સ્માર્ટસીટી અમદાવાદના રોડ-રસ્તા ચોમાસાની સીઝનમાં કદરૂપા થઈ જાય છે. બે-ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ પરનો મેકઅપ ઉતરી જાય છે અને નાગરીકો ડીસ્કો રોડ પર વાહન ચલાવવા મજબૂર બની જાય છે. મનપામાં આ પરંપરા વર્ષાેથી ચાલી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં તૂટી ગયેલા રોડ દિવાળી સુધીમાં રીપેર થાય છે

તથા નવા રોડ બનાવવામાં વધુ ત્રણથી ચાર મહિનાનો સમય લાગી જાય છે. પરંતુ ચાલુ વર્ષે આ પ્રક્રિયામાં ફેરફાર થયો છે. તથા દિવાળી પહેલાં જ નવા રોડ બનવાની કામગીરી શરૂ થઈ જશે. જેના માટે “અધિક માસ”ને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશનને પણ રોડ-રસ્તા મામલે “અધિક માસ” ફળી રહ્યો છે.

અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં રોડ-રસ્તા પર ગાબડા પડવાને સામાન્ય બાબત બની ગઈ છે. ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં ખાડા-ગાબડા પડી ગયા છે. મ્યુનિ.ઈજનેર વિભાગે યુદ્ધના ધોરણે ૧૬ હજાર કરતા વધુ ખાડા પૂર્યા છે.

જેમાં વેરમીક્ષની સાથે સાથે હોટમીક્ષનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ હોટમીક્ષ પ્લાન્ટ શરૂ થાય છે. ચાલુ વર્ષે ખાડા પૂરવા અને પેચવર્ક માટે પણ હોટમીક્ષનો ઉપયોગ થયો છે. શહેરમાં નવા રોડ બનવાની પણ શરૂઆત થઈ રહી છે. મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ૧લી ઓક્ટોબરથી નવા રોડ બનવાની કામગીરી શરૂ થઈ જશે. જે એપ્રિલ-૨૦૨૧ના અંત સુધી ચાલુ રહેશે.

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં દિવાળી હોવાથી નવા કામની શરૂઆત દિવાળી બાદ જ શરૂ થાય છે. જ્યારે નવરાત્રી સુધી ખાડા-પેચવર્કના જ કામ ચાલે છે. પરંતુ અધિક માસના કારણે નવેમ્બર મહિનામાં દિવાળી છે. તેથી રોડના કામ માટે એક મહિનાનો વધુ સમય મળ્યો છે. તેથી ૧ ઓક્ટોબરથી દિવાળી સુધી નવા રોડના કામ પૂરઝડપથી ચાલશે. દિવાળીથી દેવદિવાળી સુધી મજૂરોની અછત રહે છે.

પરંતુ લોકડાઉનમાં વતન ગયેલા મજૂરો પરત ફરી રહ્યાં છે. તેથી દિવાળીના તહેવારોમાં મજૂરો વતન ન જાય તેવી શક્યતા છે. તેથી દિવાળીના તહેવારોમાં ત્રણ-ચાર દિવસ રોડના કામ બંધ રહેશે. જે હોળી સુધી વિના વિઘ્ને ચાલુ રહેશે. ૧ ઓક્ટોબરથી એપ્રિલ-૨૦૨૧ સુધી અંદાજે ૨૫૦ કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવશે. આ તમામ મોટા રોડ રહેશે. જ્યારે ઝોન લેવલથી પણ નાના રોડ તૈયાર કરવામાં આવશે.

ચોમાસાની સીઝન દરમ્યાન જે ખાડા પડ્યા હતા તે પૈકી ૧૬ હજાર કરતાં વધુ ખાડા ભરવામાં આવ્યાં છે. તથા બાકી રહેતા ખાડા ભરવા જેટ પેચરનો ઉપયોગ કરવામાં આવશે. મોટા રોડ પર પેચવર્કના કારણે ઉબડ-ખાબડ થઈ ગયેલા રોડને પણ ખાસ ટેકનીકથી સમથળ કરવામાં આવશે. દક્ષિણ ઝોનમાં આ પ્રકારના કામ માટે રૂા.૪૯ લાખનું ટેન્ડર મંજૂર થયું છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.