Western Times News

Latest News from Gujarat

ગાંધીજયંતિએ રાજ્યના ચાર જિલ્લા ગાંધીનગર, મહેસાણા,પોરબંદર  આણંદના ૧૦૦ ટકા ગ્રામીણ ઘરોને મળશે નલ સે જલ

ગાંધીનગર  – ૩ લાખ ૧૦ હજાર ગ્રામીણ ઘરો, મહેસાણા  – ૫ લાખ ૧૧ હજાર ગ્રામીણ ઘરો, આણંદ – ૪ લાખ ૧ હજાર ગ્રામીણ ઘરો : પોરબંદર – ૬૭ હજાર ગ્રામીણ ઘરો ને મળશે હર ઘર જલ નો લાભ  પાણીનો દુકાળ ભૂતકાળ બનાવી હેન્ડપંપ મુક્ત – ટેન્કર મુક્ત ગુજરાત બનાવી સ્વચ્છ જળથી તંદુરસ્ત – રોગમુક્ત ગુજરાત દ્વારા વિકાસનું ઉર્ધ્વગામી રોલમોડેલ બનાવવું છે

પહેલા પાણીના  નો સોર્સ હતાં હવે પાણીના સરફેસ સોર્સ થઈ ગયા છે  નર્મદાના પાણી સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાતમાં ડેમ – તળાવોમાં પહોંચાડી પાણીને વિકાસનો આધાર બનાવ્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો. આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ગૌરવ મય અવસરનો પ્રારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીથી ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.આ ચારેય જિલ્લા મથકોએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવી સ્પષ્ટ નેમ વ્યક્ત કરી કે, ગુજરાતે જેમ ૧૦૦ ટકા શૌચાલય યુક્ત રાજ્ય તરીકે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્યનું ગૌરવ મેળવ્યું છે તેમ હવે ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડી ૧૦૦ ટકા હર ઘર જલ આપનારુ રાજ્ય પણ ગુજરાત ને બનાવવું છે.

તેમણે કહ્યું કે આ સિદ્ધિ સાકાર કરીને હેન્ડ પંપ-ડંકી મુક્ત ગુજરાત બનાવવાની પણ આપણી નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,ભૂતકાળમાં ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ હતી. ગામડામાં માતા-બહેનોને પાણી માટે ગાઉ સુધી જવું પડતું, ટેન્કરથી પાણી મેળવવા પડતાં અને  પાણી ના  નો  સોર્સ હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આપણે હવે પાણીને જ વિકાસનો આધાર બનાવી એવું સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યું કે નો સોર્સ  શબ્દ જ ભૂતકાળ બન્યો અને સરફેસ વોટર મળતું થયું છે.

પાણીનો દુકાળ ભૂતકાળ બની ગયો છે. આવનારી પેઢી માટે ટેન્કર, હેન્ડ પંપ જેવા શબ્દો ભૂતકાળ બની રહે અને ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે તેવું અસરદાર આયોજન કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ  જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ જળ વ્યવસ્થાપનની દિશા આપણને આપી નર્મદા ડેમ પૂર્ણ કરાવ્યો છે.

આપણે પણ નર્મદાના જળ કેનાલો અને સૌની યોજના મારફતે કચ્છ-ઉત્તર ગુજરાત જેવા દૂર દૂરના વિસ્તારોમાં ૭૦૦ કિ.મી દૂર સુધી પહોંચાડયા છે. સૌની યોજનાથી ૧૧૫ ડેમ, ઉત્તર ગુજરાતમાં ૫ હજાર જેટલાં તળાવો સુજલામ સુફલામ યોજનામાં ભર્યા અને કચ્છમાં પણ નર્મદા કેનાલથી પાણી આપી નેવાના પાણી મોભે ચડાવ્યા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ પાણીને જ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે શુદ્ધ જળ ઘરે-ઘરે પહોંચાડીને રોગમુક્ત – તંદુરસ્ત ગુજરાત સાથે વિકાસની સર્વગ્રાહી પ્રક્રિયામાં રાજ્યને ઉર્ધ્વગામી વિકાસ નું દેશનું રોલ મોડેલ બનાવવું છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિડિયો સંબોધનમાં અવસરે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં નિર્બળ, ગરીબ, પીડીતો, શોષિતોના જીવનમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો જે વર્ષો સુધી અભાવ હતો તે હવે નલ સે જલ અને જલ જીવન મિશનથી નિર્ધારિત લક્ષ્ય સાથે સમય મર્યાદામાં પૂર્ણ થઇ રહ્યો છે.

શ્રી શેખાવતે કહ્યું કે આ સરકારે બે વર્ષમાં બે કરોડ ૩૧ લાખ ઘરોમાં પાણી પહોંચાડયું છે. ગુજરાતે એક સાથે ૪ જિલ્લામાં હર ઘર જલ દ્વારા તેમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત જળ સંકટ વાળુ રાજ્ય હતું પરંતુ જનભાગીદારીથી સુદ્રઢ ગ્રામીણ જળ વ્યવસ્થાપન વાસ્મો દ્વારા કરીને હવે દેશ માટે મોડેલ સ્ટેટ બન્યું છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ગાંધી જયંતિએ ગુજરાત ના ચાર જિલ્લાના  ગ્રામીણ વિસ્તારોમાં નલ સે જલ સાકાર કરવાની સિદ્ધિ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી જોડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers