Western Times News

Gujarati News

મહિલા સ્વાવલંબી દિવસની ઉજવણી આહવા ખાતે કરવામાં આવી

સમાજનો અડધો હિસ્સો મહિલાઓનો છે. મહિલાઓ પોતાના હક્કોથી જાગૃત રહે –ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી

આહવા, ડાંગ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ ત્રીજા દિવસે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહિલા સ્વાવલંબી દિવસની ઉજવણી ડાંગ દરબાર હોલ ખાતે કરવામાં આવી હતી.

સ્વાવલંબી દિવસની ઉજવણી નિમિત્તે ઉદ્‍ધાટક શ્રીમતિ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજમાં અડધો હિસ્સો મહિલાઓનો છે. મહિલાઓ પોતાના હક્કો પ્રત્યે જાગૃત બને તે માટે આપણાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક યોજનાઓ અમલમાં મુકી છે. આજે મહિલાઓએ સમાજમાં સ્વમાનભેર જીવવા માટે પગભર થઇ સ્વાવલંબી બનવું ખૂબ જ આવશ્યક છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે રોટી, કપડા અને મકાન માટે નાણાં ની જરૂરિયાત હોય છે. સમાજમાં પહેલા પુરૂષો જ કમાણી કરતા હતા. આજે સરકારશ્રીની યોજનાઓના કારણે મહિલાઓ સ્વનિર્ભર બની છે. કુટુંબમાં કે સમાજમાં મોભાનું સ્થાન મેળવવા પૈસા કમાવવાનું હોય છે. પરંતુ સાથે સાથે નાણાંની બચત કરવી પણ અગત્યનું છે. સખીમંડળોએ નાણાંની બચત કરી ગૃપની બહેનોને શૈક્ષણિક, સામાજીક કાર્ય માટે ધિરાણ કરવાનું હોય છે. જેથી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે.

 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ ૪૧૮૦ સખીમંડળો છે.ખેતીવાડી,બાગાયત,પશુપાલન,નાહરી તેમજ ગૃહ ઉઘોગ દ્વારા આ સખીમંડળોના બહેનો રોજગારી મેળવી રહ્યા છે. ધંધા-રોજગારી માટે આ સખીમંડળોના બહેનોને બેંકની લોન મળી રહે છે. ગૃહ ઉઘોગોની તાલીમ માટે ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી જાણકારી મેળવી શકાય છે. આજે વિવિધ સખીમંડળોને રૂા.૩૫ લાખની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.

વધઈ તાલકા પંચાયતના પ્રમુખ શ્રી સંકેતભાઈ બંગાળ અને સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ યશોદાબહેન તેમજ લીડ બેંક મેનેજર શ્રી રાજુભાઈ પટેલે  ઉપસ્થિત બહેનોને સ્વાવલંબી બનવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.મેધા મહેતા,સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સખીમંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આભાર વિધિ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી.ચૌધરીએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.