Western Times News

Gujarati News

વિજયની નજીક પહોંચેલા જાે બિડેનની સુરક્ષા સઘન કરાઈ

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન બાજી મારી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, ત્યારે દેશના આગામી રાષ્ટ્રપ્રમુખને મળવી જોઈતી દરેક સુવિધા પણ તેમને હવે મળવા લાગી છે, જેનાથી એવા સંકેત મળી રહ્યા છે કે ટપાલથી પ્રાપ્ત મતોની ગણતરીમાં ભલે વિલંબ થાય, પરંતુ બિડેન રાષ્ટ્રપ્રમુખપદથી હવે દૂર નથી. આ વાતનો સંકેત હાલમાં જ યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા જો બિડેનની આસપાસનું સુરક્ષાત્મક કવચ વધારી દેવાથી મળી રહ્યો છે.

સીએનએનના એક રિપોર્ટમાં નામ ન આપવાની શરતે બે સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે બિડેનના ડેલાવેર ખાતેના કેમ્પેન હેડક્વાર્ટર પર એકસ્ટ્રા સિક્રેટ સર્વિસ એજન્ટ્‌સને મોકલી દેવાયા છે. જોકે સિક્રેટ સર્વિસના પ્રવક્તા પાસેથી વધુ વિગતો જાણવાની કોશિશ કરવામાં આવી તો પ્રવક્તાએ કહ્યું હતું કે સિક્રેટ સર્વિસ ક્યારેય તેના દ્વારા અપનાવાતી પદ્ધતિઓ અને કામગીરી અંગે ચર્ચા કરી શકે નહીં.

આ ઉપરાંત યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા બાઈડનના ડેલાવેરમાં વિલ્મિંગ્ટન ખાતે આવેલા નિવાસસ્થાન પર ‘નો-ફ્લાય’ ઝોન જાહેર કરાયો છે અને આ અંગે પાઇલટ્‌સને સૂચના પણ આપી દેવાઈ છે. અમેરિકામાં ચાલી રહેલી મતગણતરીની વચ્ચે એક મહત્ત્વની જાણકારી સામે આવી છે. જયોર્જિયા બાદ હવે પેન્સિલવેનિયામાં પણ બાઈડન આગળ નીકળી ગયા છે. અત્યારસુધી પેન્સિલવેનિયામાં ટ્રમ્પની સરસાઈ હતી, પરંતુ બાઈડને તેમને પાછળ છોડી દીધા છે. હવે ડેમોક્રેટ ૪ અને રિપબ્લિકન માત્ર ૧ રાજ્યમાં જ આગળ છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન ટ્રમ્પને આકરી ટક્કર આપી રહ્યા છે. એટલું જ નહીં, ૨૬૪ ઈલેક્ટોરલ મત સાથે તેઓ ૨૭૦ના આવશ્યક આંકડા સુધી પહોંચવામાં માત્ર ૬ ઈલેક્ટોરલ મતથી દૂર છે. ભારતીય સમય મુજબ, શુક્રવારે સાંજ સુધીમાં જ્યોર્જિયામાં બાઈડને ટ્રમ્પને પાછળ રાખી દીધા છે. અહીં સતત આગળ રહેલા ટ્રમ્પની સરસાઈ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી સતત ઘટવા લાગી હતી.

હવે બિડેન સરસાઈ કાપ્યા બાદ ૧૦૦૦ જેટલા મતથી આગળ નીકળી ગયા છે. ટ્રમ્પને ૨૪ લાખ ૪૮ હજાર ૪૫૪ મત મળ્યા છે, જ્યારે બાઈડનને ૨૪ લાખ ૪૯ હજાર ૩૭૧ મળ્યા છે. હજુ ૧ ટકા મતની ગણતરી બાકી છે. અહીં જો બાઈડનને જીત મળે તો રાજ્યના તમામ ૧૬ ઈલેક્ટોરલ વોટ તેમના ફાળે જશે. એ પછી પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત બની જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.