Western Times News

Gujarati News

શ્રેષ્ઠ ભારતનું નિર્માણ ગુરુકુળ શિક્ષા પધ્ધતિથી જ શક્યઃ ગુરુકુળ શિક્ષા પ્રણાલી એટલે પરસ્પર વિકાસનો સમાજવાદ – રાજ્યપાલ

  • બેટી બચાવો – બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, સમરસતા અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતને વધુ સમૃધ્ધ બનાવીએ

સમાજમાં સદવિદ્યાના સ્થાપન દ્વારા સર્વાંગી વ્યક્તિ વિકાસ  માટે  એસ.જી.વી.પી. ગુરુકુળ સતત કાર્યરત – માધવપ્રિયદાસજી મહારાજ

૧૮૦  દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રસાદીરૂપે  ધનરાશીના ચેક અર્પણ કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે અમદાવાદ સ્થિત  શ્રી સ્વામીનારાયણ ગુરુકળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ – એસ.જી.વી.પી. ગુરુકુળ ખાતે ચાલી રહેલાં ૪૩માં જ્ઞાનસત્ર અંતર્ગત ગૌરી પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગુરુકુળ  શિક્ષાનું મહત્વ છે અક્ષરજ્ઞાનથી લઇને શારીરિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક વિકાસની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સમન્વય સાથેનું, વ્યક્તિ નિર્માણનું સર્વાંગી વિકાસ માટેનું શિક્ષણ ગુરુકુળ શિક્ષા પ્રણાલી જ આપી શકે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ ગુરુકુળ  શિક્ષા પધ્ધતિથી શક્ય બની શકે.

રાજ્યપાલશ્રીએ એસ.જી.વી.પી. ગુરુકુળ ખાતેના તેમના સંસ્મરણોને વાગોળતાં જણાવ્યું હતું કે, ગિર  ગાય ની અસલ  પ્રજાતિનું જતન આ ગુરુકુળમાં થાય છે તેની જાણ હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળમાં થતાં આ ગુરુકુળના આચાર્ય તરીકે દસ – બાર વર્ષ પહેલાં અમદાવાદ એસ.જી.વી.પી. ગુરુકુળની તેમણે મુલાકાત લીધી હતી અને અહીંથી અસલ ગિર ગાયની છ વાછરડી તેમના કુરુક્ષેત્ર ગુરુકુળ માટે લઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતની ઋષિ સંસ્કૃતિ અને આધુનિક  શિક્ષા પ્રણાલીના સમન્વય સમું ગુરુકુળ રાષ્ટ્ર માટે સમર્પિત નાગરિકોના નિર્માણનું જ નહીં પરંતુ શિષ્યો-વિદ્યાર્થીઓના પરસ્પર વિકાસનો ખરા અર્થમાં સમાજવાદ સ્થાપિત કરવાનું  મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના રાજ્યપાલ તરીકે SGVP (એસ.જી.વી.પી.) ગુરુકુળ ખાતેના તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને પોતાનું સદભાગ્ય ગણાવી ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદજી અને સ્વામી દયાનંદ સરસ્વતીજી જેવા મહાપુરુષો આપણાં પ્રેરણા સ્ત્રોત હોવા જોઇએ. તેમણે ઉમેર્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા અર્થાંત જ્યાં નારીશક્તિની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આ જ ભાવના સાથે એસ.જી.વી.પી. ગુરુકુળ દ્વારા યોજાયેલા ૪૩માં જ્ઞાનસત્રમાં ‘‘ગૌરી પૂજન’’ દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી અભ્યાસમાં તેજસ્વી બાળાઓને ધનરાશીની પ્રસાદી સ્વરૂપે રાજ્યપાલશ્રીએ અને લેડી ગવર્નર દર્શના દેવીએ ચેક અર્પણ કર્યા હતા. ગુરુકુળ દ્વારા આવી ૧૮૦ જેટલી બાળાઓને આર્થિક સહાય કરવામાં આવી હતી.

આ પ્રસંગે લેડી ગવર્નરશ્રી દર્શના દેવી સાથે ગૌરી પૂજન કાર્યક્રમમાં સહભાગી બનતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાજભવનની ચાર દિવાલ વચ્ચે રહીને નહીં પરંતુ લોકોની વચ્ચે રહીને   બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, સમરસતા અને પ્રાકૃતિક ખેતી જેવા રચનાત્મક કાર્યો દ્વારા ગુજરાતના વિકાસ  મોડેલને વધુ સમૃધ્ધ બનાવવું છે.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કથળી રહેલાં નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની  હિમાયત કરી, ગુરુકુળ જેવી સંસ્થાઓની ભૂમિકાને સહાયરૂપ ગણાવી હતી.  એસ.જી.વી.પી. ગુરુકુળના ૪૩માં જ્ઞાનસત્રમાં અધ્યક્ષશ્રી માધવપ્રિયદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ – એસ.જી.વી.પી. દ્વારા સમાજમાં સદવિદ્યાના સ્થાપન દ્વારા સર્વાંગી વ્યક્તિ વિકાસ  માટે અનેકવિધ પ્રકલ્પો કાર્યરત  છે. તેમણે આધ્યાત્મિકતા વિનાની ભૌતિક સંસ્કૃતિને રાક્ષસ સંસ્કૃતિ  સમાન ગણાવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં એસ.જી.વી.પી. સંસ્થાના ડાયરેક્ટર શ્રી  જયદેવભાઇ સોનાગ્રાએ ઉપસ્થિત સૌ  મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી બાળકૃષ્ણદાસ સ્વામી, ભક્તિપ્રસાદ સ્વામી ઉપરાંત ટ્રસ્ટીશ્રીઓ  નવીનભાઇ દવે, શ્રી વિપુલભાઇ ગજેરા, શ્રી હર્ષભાઇ પટેલ સહિત સત્સંગીઓ, ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને  જ્ઞાનસત્ર તેમજ ગૌરી પૂજનમાં જોડાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.