Western Times News

Gujarati News

સંજીવની સરકારી હોસ્પિટલ ખાતે પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસનીઉજવણી કરવામાં આવી

આયુર્વેદને વ્યાપક સ્વીકૃતિ મળે તે માટેના વ્યાપક પ્રયાસો કરાશે-વૈદ્ય શ્રી નિલેશભાઈ

રાજ્યમાં કોરોના લોકડાઉન થી શરૂ કરીને આજ દિન સુધીમાં અંદાજીત ૧ કરોડ ૭૦ લાખ લોકોને અમૃતપેય ઉકાળા, ૬૫ લાખ લોકોને સંશમનીવટી  વિના મૂલ્યે પુરા પાડીને નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના સઘન આયોજનો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. જેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી છે અને જેનાથી લોકોને કોરોના સામે પ્રતિકાર કરવામાં મદદ મળી છે.

ધનતેરશનો દિવસ એ આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા અને પિતા તથા આરાધ્યદેવ ગણાતા ભગવાન ધન્વન્તરીનો પ્રાગટ્ય  દિવસ છે. જેને આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવીએ છીએ.

જેના ભાગરૂપે  આજે અમદાવાદમાં પાલડી ખાતે આવેલ સરકારી સંજીવની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ધન્વન્તરી પૂજન  દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચકર્મ વૈદ્ય શ્રી નિલેશભાઈએ  જણાવ્યું હતું  કે, રાજ્યના દરેક સરકારી આયુર્વેદિક દવાખાના/ હોસ્પિટલોમાં વિના મૂલ્યે તમામ રોગોની આયુર્વેદ સારવાર કરવામાં આવી રહી છે.

અત્યારે કોરોના કાળમાં સમગ્ર દેશ એક થઇને આ રોગ સામે ઝઝૂમી રહેલ છે ત્યારે આપણે સૌ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરીએ અને માસ્ક,સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરીએ તે ખૂબ જ મહત્વનું છે.

તેમણે જણાવ્યું  કે,  આવનાર દિવસોમાં દિર્ઘકાલીન જાહેર સ્વાસ્થ્યના પડકારો માટે અસરકારક સમાધાનો શોધવામાં આવશે અને આયુર્વેદની વૈશ્વિક સ્વિકૃતિ વધારવાની સાથો-સાથ કૌશલ્યયુક્ત માનવસંશાધનો ઉભા કરાશે તેમજ આયુર્વેદના પ્રયાસોને માન્ય કરવા વૈજ્ઞાનિક પુરાવાઓનુ દસ્તાવેજીકરણ કરવામાં આવશે.

વૈદ્ય શ્રી નિલેશભાઇએ જણાવ્યું હતું કે, હાલની મહામારીમાં સંજીવની સરકારી  હોસ્પિટલ, અમદાવાદ  ખાતે આવતા તમામ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે  તે માટે ખાસ પ્રયાસો હાથ ધરીને દવા અને ઉકાળાનું  વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

હોસ્પિટલમાં સરેરાશ ૨૫૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે  છે  માર્ચ ૨૦૨૦ થી આજ દિન સુધીમાં ૨,૪૯,૦૦૦ ઉકાળાનું અને  ૩૨૫૮૨ રોગ પ્રતિકારક ગોળી સંશમનીવટીનું વિતરણ કરવામાં આવેલ છે. જ્યારે હોમિયોપોથી વિભાગમાં પણ ૧૭,૦૦૦ જેટલા દર્દીઓને  સારવાર આપવામાં આવેલ છે,

આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્થાનિક આગેવાનો તથા નગરજનો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.