Western Times News

Gujarati News

બુમરાહને વન-ડેમાં ૨૮૨ બોલ પછી વિકેટ મળી

સિડની: ભારતીય ટીમના બોલરો માટે ઓસ્ટ્રલિયા પ્રવાસની શરૂઆત ઘણી ખરાબ રહી છે. તેમાંય ભારતીય પેસર જસપ્રીત બુમરાહના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં એક ખરાબ રેકોર્ડ નોંધાતા રહી ગયો. સિડનીમાં સીરિઝની પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ (૧૧૪) અને સ્ટીવ સ્મિથ (૧૦૫)ની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૭૫ રન બનાવ્યા. પેસર મોહમ્મદ શમી સિવાય અન્ય કોઈ ભારતીય બોલર ખાસ અસર બતાવી શક્યો નહીં. પહેલી જ મેચમાં ભારતીય બોલરોની જે રીતે ધોલાઈ થઈ છે તે જોતાં ટીમ ઈન્ડિયાએ પોતાની બોલિંગ પર વધારે ધ્યાન આપવું પડશે તે નક્કી છે.

ભારત માટે સિડનીમાં આ મેચમાં શમીએ ૫૯ રન આપીને ૩ વિકેટ ઝડપી, જ્યારે બુમરાહ, નવદીપ સૈની અને યુજવેન્દ્ર ચહલને ૧-૧ વિકેટ મળી. બુમરાહે ૧૦ ઓવરમાં ૭૩ રન આપ્યા, તો સેનીએ ૮૩ રન આપી દીધા. ચહલે તો ૧૦ ઓવરમાં ૮૯ રન આપ્યા. બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચની વિકેટ ઝડપી, પરંતુ આ વિકેટ તેને વન-ડે ઈન્ટરનેશનલમાં ૨૮૨ બોલ પછી મળી.

આ પહેલા પૂર્વ ભારતીય બોલર પ્રવીણ કુમારે વર્ષ ૨૦૦૮માં ૨૮૩ દડા પછી કોઈ વિકેટ ઝડપી હતી. આમ, પ્રવીણ કુમારના ખરાબ રેકોર્ડની બરાબરી કરવાથી બુમરાહ માત્ર એક દડાથી બચી ગયો. આ વર્ષે બુમરાહને આંતરાષ્ટ્રીય વન-ડેમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, તેને ૬૬.૧ ઓવરમાં માત્ર ૨ જ વિકેટ મળી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ એક ખરાબ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો.

તે એક વન-ડેમાં સૌથી વધુ રન આપનારો ભારતીય સ્પિન બોલર બન્યો છે. તેણે ૧૦ ઓવરમાં ૮૯ રન આપીને એક વિકેટ લીધી. ચહલે માર્કસ સ્ટોઈનિસની વિકેટ લીધી. ચહલ પહેલા આ રેકોર્ડ લેગ સ્પિનર પીયૂષ ચાવલાના નામે હતો, જે તેણે ૨૦૦૮માં પાકિસ્તાન સામે ૧૦ ઓવરમાં ૮૫ રન આપીને બનાવ્યો હતો. ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે, જેણે ૨૦૧૫માં મુંબઈમાં સાઉથ આફ્રિકાની સામે ૧૦૫ રન આપ્યા હતા. જો આંતરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મિક લુઈસના નામે છે. લુઈસે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાની સામે ૧૦ ઓવરમાં ૧૧૩ રન આપ્યા હતા અને એકપણ વિકેટ ઝડપી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.