Western Times News

Gujarati News

વેક્સિનના ટ્રાયલ માટે નવ વર્ષની બાળકી પહોંચી ગઈ

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે નવ વર્ષની એક બાળકી કોરોનાની રસી લગાવવા માટે પહોંચી ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. હાલ આખા ગુજરાતમાં આ હોસ્પિટલમાં ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીની ટ્રાયલ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, બાળકીનો જુસ્સો બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરે તેવો હતો. જોકે, ગાઈડલાઈન અનુસાર, ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા લોકો જ રસીના પરિક્ષણમાં ભાગ લઈ શકે તેમ હોવાથી ડૉક્ટરોએ બાળકીને સમજાવીને ઘરે પાછી મોકલી હતી.

બાળકીના માતા-પિતાએ પણ રસીના પરીક્ષણમાં ભાગ લેવા માટે પોતાનું નામ લખાવ્યું છે. શુક્રવારે હોસ્પિટલમાં વધુ સાત લોકોએ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ હેઠળ પહેલો ડોઝ લીધો હતો. આ રસીના બે ડોઝ ૩૦ દિવસના ગાળામાં આપવામાં આવશે. હાલ દેશના ૨૧ સેન્ટર્સમાં રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે, અને ૨૬ હજાર વોલેન્ટિયર્સ તેમાં હિસ્સો લઈ રહ્યા છે. ૧૮થી ૬૦ વર્ષનો કોઈપણ સ્વસ્થ વ્યક્તિ આ રસી લઈ શકે છે. તેનો ડોઝ આપ્યા બાદ ૩૦ મિનિટ સુધી વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખી ઘરે જવા દેવાય છે.

રસી આપ્યા બાદ ડૉક્ટર્સ તેના સંપર્કમાં રહી રસીની શરીરમાં શું અસર થઈ તે ચેક કરતા રહે છે. દરેક વોલેન્ટિયર્સને એક વર્ષ સુધી દર મહિને હોસ્પિટલમાં ચેક-અપ માટે આવવાનું રહે છે. જે કોઈ વ્યક્તિ આ ટ્રાયલમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ સોલા સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગનો સોમથી શુક્ર દરમિયાન સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી સંપર્ક કરી શકે છે. રસી મૂકાવતા પહેલા તેમનું ચેક-અપ પણ કરાય છે.

રસી માટે એનરોલ થતી વખતે ૧૦ પેજનું એક ફોર્મ ભરવાનું રહે છે. જેમાં રસીની સંભવીત સાઈડ ઈફેક્ટ્‌સ ઉપરાંતની બીજી ઘણી વિગતો દર્શાવાઈ હોય છે. તે તમામ પર સહમતી આપ્યા બાદ જ વ્યક્તિને રસીનો ડોઝ આપવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.