Western Times News

Gujarati News

અક્ષરધામ હુમલા વખતે તબીબી સેવાઓ આપનારનું સન્માન કરાયું

સિદ્ધિ બદલ ગુજરાત પ્રદેશ ભાજપના નેતા અને આગેવાનો દ્વારા કમલેશભાઇને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવાયા
અમદાવાદ, યોગમાતા અને મહાયોગ ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી વિજ્ઞાનભવન ખાતે આયોજીત વર્લ્ડ પીસ કેમ્પેઇન એવોર્ડ-૨૦૧૯ના એક મોટા સમારંભમાં ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને શહેરની મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે શાંતિ અને સેવાના ઉત્કૃષ્ટ કાર્યો બદલ વર્લ્ડ પીસ કેમ્પેઇન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભાજપના નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટની આ અનોખી સિધ્ધિ બદલ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ તેમને ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલા વખતે તબીબી સહાય અને મદદ સહિતની સેવાઓ ઉપરાંત, મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન હાથ ધરેલા સેવાકાર્યો ઉપરાંત, શહેર, રાજય અને દેશના વિકાસમાં યથાયોગ્ય યોગદાન બદલ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને શહેરની મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને યોગમાતા ફાઉન્ડેશન અને મહાયોગ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવાનું નક્કી કરાયું હતું.

નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ અંગેના વિશાળ સમારંભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ભાજપના નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટને આ પ્રતિષ્ઠાભર્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો અને રાજકીય મહાનુભાવો સહિત આધ્યાત્મિક જગતના માધાંતાઓ ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા પણ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને આ એવોર્ડની સિધ્ધિ બદલ ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.