Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં આરોપીઓના ડરથી પતિએ કરેલી આત્મહત્યા

 

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પત્નિની ખુલ્લેઆમ છેડતી 

બે મહિના પહેલા કેનાલમાં પડતુ મુકી યુવકે કરેલા આપઘાતના કેસમાં પરિણિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ : બે આરોપીઓ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી એકને ઝડપી લીધો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં પાડોશી શખ્સો દ્વારા પરિણિતાની ખુલ્લેઆમ છેડતી કરી પરેશાન કરી સમગ્ર પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીથી ગભરાયેલા પતિએ બે મહિના પૂર્વે કેનાલમાં પડતું મુકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ હતી.

આ બનાવમાં મહિલાએ અગાઉ અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવી હોવાનો આક્ષેપ કર્યો છે જેના પગલે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. ઘટનાના બે મહિના બાદ ઘાટલોડિયા પોલીસે યુવકને આત્મહત્યા કરવા માટે મજબુર કરવાની ઘટનામાં બે શખ્સો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી એકની ધરપકડ કરી છે. ગંભીર એવી આ ઘટનામાં ઘાટલોડિયા પીઆઈ જાતે જ તપાસ કરી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના મેમનગર વિસ્તારમાં પેટ્રોલપંપની સામે આવેલા મોટા ઠાકોરવાસમાં રહેતા સોનલબેન મહેન્દ્રભાઈ ઠાકોરનો પતિ મહેન્દ્ર ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેના ઘરની સામે જ ચંદન અને વિષ્ણુ નામના બે શખ્સો રહેતા હતા. ચંદન નામનો શખ્સ સોનલબેનની વારંવાર છેડતી કરતો હતો જેના પરિણામે અવારનવાર ઝઘડો થતો હતો.


દરમિયાનમાં વડીલોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું અને ચંદને માફી માંગી હવે પછી આવુ નહી થાય તેવુ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ ચંદન વધુ પરેશાન કરવા લાગ્યો હતો અને આખરે કંટાળીને મહેન્દ્રભાઈ ઠાકોરે જમીયતપુરા પાસે રીક્ષા લઈ પહોંચી ગયો હતો અને ફોન પર જાણ કરી કેનાલમાં પડતું મુકી આપઘાત કર્યો હતો.

પાંચમા મહિનામાં બનેલી આ ઘટનામાં પહેલા અડાલજ પોલીસે તપાસ કરી હતી બીજીબાજુ આ અંગેની જાણ થતાં જ સોનલબેન બેભાન બની ગયા હતા અને માનસિક રીતે વ્યથિત બન્યા હતા સોનલબેનને એક સાત વર્ષનો પુત્ર અને એક પાંચ વર્ષની પુત્રી પણ હતી પતિના આપઘાતથી વ્યથિત બનેલી સોનલબેન અને તેના પરિવારજનો આ બંને શખ્સોથી ખૂબજ ગભરાઈ ગયા હતા.

પાડોશી શખ્સોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. સોનલબેને આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોચી જઈ ઉગ્ર આક્ષેપો કર્યા હતાં તેના પતિ મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલા આ બંને શખ્સોને તેની પત્નિને હેરાન નહી કરવા જણાવ્યું હતું પરંતુ ચંદન અને વિષ્ણુ ઠાકોરે ધમકી આપી સમગ્ર પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બીજીબાજુ સમાધાન બાદ પણ ચંદન પરિણિતાને પરેશાન કરતો હતો અને તેની ખુલ્લેઆમ છેડતી કરતો હતો આ અંગે તેણે વારંવાર રજુઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહી કરાતા આરોપીઓની હિંમત વધી ગઈ હતી સોનલબેને આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી વિસ્તૃત ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

પાંચમા મહિનામાં સોનલબેનનો પતિ મહેન્દ્રભાઈ ઠાકોર સમાધાન બાદ પણ આ બંને શખ્સોની કરતુતો ચાલુ રહેતા તેઓને સમજાવવા ગયા હતા પરંતુ આરોપીઓએ ઉશ્કેરાઈને તેને ઢોરમાર માર્યો હતો જેના પરિણામે મહેન્દ્રભાઈ માનસિક રીતે વ્યથિત બની ગયા હતા અને આખરે અંતિમ પગલુ ભરી લીધું હતું. આ ફરિયાદથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં

આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓએ પણ ઘનિષ્ઠ તપાસનો આદેશ આપ્યો છે બીજીબાજુ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર ગંભીર એવી ઘટનામાં જાતે જ તપાસ કરી રહયા છે અને ફરિયાદ બાદ તરત જ કાર્યવાહી શરૂ કરી વિષ્ણુ નામના આરોપીને ઝડપી લીધો છે જયારે ચંદન ફરાર થઈ ગયો છે તેને ઝડપી લેવા માટે હાલ તપાસ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.