Western Times News

Gujarati News

અમેરિકન કોન્સ્યુલેટે કબુતરબાજીનું ષડયંત્ર પકડ્યું

અમદાવાદની ટોળકીએ પાસપોર્ટમાં અન્ય દેશોના બનાવટી વીઝાના સિક્કા મારતા
ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ : રાણીપના બે દંપતિ સહિત ૬ વ્યક્તિઓની શોધખોળ

(પ્રતિનિધિ) અમદાવાદ :  અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ ભણવા અને સ્થાયી થવા માટે જઈ રહયા છે જેના પરિણામે અમદાવાદ શહેરનું એરપોર્ટ પર ર૪ કલાક ધમધમતું હોય છે અમદાવાદ શહેરમાંથી વિદેશ જવા માટે નાગરિકોમાં જાવા મળતા ક્રેઝના પગલે કેટલાક ગઠિયાઓ પણ તેનો લાભ ઉઠાવી રહયા છે અને બોગસ પાસપોર્ટ ઉપરાંત બોગસ દસ્તાવેજા બનાવી વિઝા લેવા જતા કબુતર બાજીના કેસો ચોંકાવનારા વધી ગયા છે.

આ દરમિયાનમાં જ સંખ્યાબંધ દેશોના બનાવટી વિઝાના સિક્કા મારી અમેરિકાના વીઝા લેવા જતા કેટલાક શખ્સો અમેરિકન કોન્સ્યુલેટ સિકયુરિટી ઓફિસરના ધ્યાનમાં આવતા તેઓએ અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં એક જ દિવસમાં બે ફરિયાદો નોધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ સમગ્ર ઘટનામાં એજન્ટ અને રાણીપના બે દંપતિઓ મળી કુલ ૬ સામે ગુનો નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી વિદેશ જવા માટે અનેક લોકોએ કાર્યવાહી શરૂ કરેલી છે વિદેશમાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોની લાંબી યાદી છે અને આ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક દેશોના નિયમો પ્રમાણે કામગીરી થતી હોય છે પરંતુ વિદેશમાં ગેરકાયદેસર રીતે જવા માંગતા કેટલાક નાગરિકો બોગસ દસ્તાવેજાનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ વિદેશી કોન્સ્યુલેટની સતર્કતાના કારણે મોટાભાગના કેસો પકડાઈ જતા હોય છે આવી જ એક ઘટના ગઈકાલે બની છે. અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચમાં એક જ દિવસમાં કબુતરબાજીની બે ફરિયાદો નોંધાઈ છે. અમેરિકા જનારા લોકો કાયદેસર વિઝા મેળવવા માટે પ્રયાસો કરતા હોય છે

પરંતુ કેટલાક લોકો ગેરકાયદેસર દસ્તાવેજાનો ઉપયોગ કરી વિઝા મેળવવાનો પ્રયાસ કરે છે અમદાવાદમાં આવી અનેક કબુતરબાજી કરતી ટોળકીઓ સક્રિય બનેલી છે અને તેઓ બોગસ દસ્તાવેજાના આધારે સ્થાનિક નાગરિકો પાસેથી મોટી રકમ પડાવી તેઓને વિદેશ મોકલવાની તજવીજ કરતા હોય છે. આ દરમિયાનમાં અમદાવાદના કેટલાક નાગરિકોએ કબુતરબાજી કરતા શખ્સોનો સંપર્ક સાંધી તેઓની પાસેથી અમેરિકાના વિઝા મેળવવા માટે જરૂરી કાગળીયા કરવા જણાવ્યું હતું મોટી રકમ આપ્યા બાદ એજન્ટ અને રાણીપમાં રહેતા બે દંપતિ સહિત કુલ ૬ શખ્સોએ જુદા જુદા શખ્સોના પાસપોર્ટ લઈ લીધા હતા અને અમેરિકાના સહેલાઈથી વીઝા મળી જાય તે માટે કબુતરબાજી કરતા આ શખ્સોએ અસલ પાસપોર્ટમાં સ્પેન, ચાઈના, સ્વીઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઈટલી જેવા દેશોના બનાવટી વિઝાના સિક્કા મારી દીધા હતાં.

આટલા બધા દેશોના વિઝાના સિક્કા હોવાથી અમેરિકાના કોન્સ્યુલેટ સહેલાઈથી વીઝા આપી દેશે તેવુ માની નકલી વીઝાના સિક્કા મારવામાં આવ્યા હતા આ શખ્સો અમેરિકન કોન્સ્યુલેટ સમક્ષ હાજર થયા હતા પરંતુ સિકયુરિટી ઓફિસરને શંકા જતા આ અંગે તપાસ શરૂ કરી હતી જેમાં આ તમામ દેશોના બનાવટી વીઝાના સિક્કા હોવાનું માલુમ પડયુ હતું.

જેના પરિણામે અમેરિકન કાઉન્સીલેટના સિકયુરીટી ઓફિસરે બે ફરિયાદો એક જ દિવસમાં નોંધાવી હતી અને આ બંને ફરિયાદો અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને કબુતરબાજી કરતા તમામ શખ્સોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.