Western Times News

Gujarati News

અમદાવાદ-વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટેની શક્યતા

પ્રતિકાત્મક

મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં જમીન સંપાદન સહિતના અનેક પ્રકારના અવરોધો ઊભા થઈ રહ્યા છે. પરિણામે અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મૂકાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકારનું વલણ પણ ઠંડું જાેવા મળી રહ્યું છે.

આથી, પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમદાવાદ-વાપી વચ્ચે અને બીજા તબક્કામાં વાપીથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે તેવી શક્યતા છે, તેમ રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે જણાવ્યું હતું. ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીના એક અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાના પીએમ મોદીના પ્રોજેક્ટમાં અનેક અવરોધ આવી રહ્યા છે.

૨૦૧૭માં જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિન્જાે આબે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ૨૦૨૩-૨૪ સુધીમાં દેશમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવાની મોદી સરકારની યોજના હતી. આ પ્રોજેક્ટ હેઠળ ૩૨૫ કિ.મી. માટે ૩૨,૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ્‌સ પણ આપી દેવાયા છે.

આ યોજના પર ગુજરાતમાં ઝડપથી કામ થઈ રહ્યું છે પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનોના વિરોધ અને રાજ્ય સરકારની ઢીલી નીતિના કારણે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં વિલંબ થઈ રહ્યો છે. રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે શનિવારે જણાવ્યું, રેલવે સંપૂર્ણ રૂટ પર એકસાથે જ બુલેટ ટ્રેન શરૂ કરવા માગે છે.

મહારાષ્ટ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે, આગામી ૪ મહિનામાં જમીન સંપાદનનું ૮૦ ટકા કામ પૂરું થઈ જશે. જાે કોઈ કારણોસર મહારાષ્ટ્રમાં જમીન સંપાદનના કાર્યમાં વિલંબ થાય તો અમે પ્રથમ તબક્કામાં અમદાવાદથી વાપી (૩૨૫ કિલોમીટર) વચ્ચે બુલેટ ટ્રેન દોડવાની તૈયારી કરી રહ્યા છીએ.

જાે કે, તમામ ર્નિણયો મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કેટલું કામ થયું છે તેના આધારે લેવાશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હજી ૨૩ ટકાની આસપાસનું જ જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે સંપૂર્ણ યોજના માટે ૬૮ ટકા જમીન સંપાદન જરૂરી છે. ૫૦૮.૧૭ કિલોમીટર લાંબા અને ૧.૧ લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન કોરિડોરનો ૧૫૫.૭૬ કિમી ભાગ મહારાષ્ટ્રમાં, ૩૪૮.૦૪ કિમી ગુજરાતમાં અને ૪.૩ કિમી દાદરા-નગર હવેલીમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.