Western Times News

Gujarati News

સોનાથી મઢેલ વધુ ૫૩ કળશ સોમનાથના શિખરે મુકાશે

રાજકોટ:જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર રહેલા ૧૫૦૦થી વધુ કળશને સુવર્ણ મઢીત કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગની અપીલ કરાઈ હતી. આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાાર સુધીમાં ૫૩૦ કળશો માટે સોનાનું દાન જુદા-જુદા દાતાઓ તરફથી મળ્યું છે.

જેમાં પરિમલ નથવાણીના પરિવારે ૫૩ કળશને સોનાથી મઢવા માટે દાન નોંધાવ્યું હતું. હાલમાં જ એ ૫૩ કળશની પૂજા વિધિ કરવામાં આવી હતી. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીના પરિવારે ૫૩ કળશને સોને મઢવા માટે દાન આપ્યું હતું.

આ સુવર્ણ કળશની પૂજા વિધિ રવિવારે નથવાણી પરિવારના પુત્ર અને દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિરે કરવામાં આવી હતી. હવે પૂજા કરાયેલા સુવર્ણ મઢીત કળશોને મંદિરના શિખરો પર સ્થાપવામાં આવશે, તેમ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સોમનાથ મંદિરના શિખરો ઉપર ૬૬ જેટલા સુવર્ણ કળશ આપવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ રવિવારે વધુ ૫૩ સુવર્ણ કળશની પૂજા વિધિ પૂર્ણ થતાં આગામી દિવસોમાં આપવાની કામગીરી કરાશે. મહત્વનું છે કે, સ્વર્ણિમ ઈતિહાસ ધરાવતું સોમનાથ મહાદેવનું મંદિર ફરી એકવાર સોનાનું બનવા જઈ રહ્યું છે.

થોડા સમય પહેલા મંદિરના પિલર્સ એટલે કે થાંભલાઓને સોનાથી મઢવામાં આવ્યા બાદ હવે મંદિરના શિખર પર સોને મઢેલા કળશ મૂકવામાં આવી રહ્યા છે. મંદિરના શિખર પર નાના, મધ્યમ અને મોટા એમ ત્રણ અલગ પ્રકારના કળશો છે. દરેક કળશ માટે દાન રાશિ નક્કી કરવામાં આવી છે.

મોટા કળશને સોનેથી મઢાવવા માટે ૧.૫૧ લાખ, મધ્યમ કદના કળશ માટે ૧.૨૧ લાખ અને નાના કળશ માટે ૧.૧૧ લાખ ડોનેશન નક્કી કરવામાં આવ્યું છે. પ્રતિ કળશ માટે કોઈ પરિવાર અથવા વ્યક્તિ દાન આપી શકે છે. આવા સોને મઢેલા કળશને શિખર પર સ્થાપિત કરતા પહેલા તે વ્યક્તિ અથવા પરિવારને પૂજા કરવા માટે બોલાવવામાં આવે છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૨૦૨૧ સુધીમાં પૂરો કરવાની મંદિરની યોજના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.