Western Times News

Gujarati News

ધનરાજ નથવાણીની પહેલ  હેઠળ તૈયાર થયેલ કોફી ટેબલ બુક  ‘રાજાધિરાજ’ નું વિમોચન કરતા મુખ્યમંત્રી

ભગવાન કૃષ્ણ પરનાં પીછવાઇ કલાના ચિત્રને ખુલ્લું મુક્યું

  • આજના ત્રસ્ત અને વ્યસ્ત જીવનમાં કૃષ્ણ જીવનમાંથી પ્રેરણા મળે છે
  • દ્વારકા-બેટ દ્વારકાનાં વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે
  • ઇતિહાસ જાગૃત રહે તે માટે દ્વારકા જેવા સ્થાનોનું પુનરોથ્થાન થવું જરૂરી છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આજે જ્યારે માનવી ત્રસ્ત અને વ્યસ્ત છે ત્યારે રાજાધિરાજ શ્રીકૃષ્ણનાં જીવનમાંથી જીવન જીવવાની  નિરન્તર પ્રેરણા મળે છે. મુખ્યમંત્રીશ્રીએ  રિલાયન્સ ગૃપના પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીની પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલ ‘રાજાધિરાજ’ કોફી ટેબલ બુકનું વિમોચન આજે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલે છે. પાવાગઢથી માંડી ગિરનાર સુધીના તિર્થસ્થાનોનો વિકાસ થાય અને તેના પુનરોથ્થાન દ્વારા તે વિશ્વફલક પર મુકાય તે આજની નિતાંત આવશ્યકતા છે. મુખ્યમંત્રીશ્રીએ કૃષ્ણની લીલાઓ અને પ્રેરણાત્મક વાતો  રાજાધીરાજ પુસ્તકમાં સમાવિષ્ટ કરી સમાજને સાચી દિશા આપવાનું આધ્યાત્મિક સાથે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું કે, ‘કૃષ્ણ ક્યાંય નથી, છતાં બધે જ  છે’ તેવી ફિલોસોફી એ કૃષ્ણની સાર્વત્રિકતા દર્શાવે છે. જીવનની કઠિન  ઘડીઓમાં કૃષ્ણચરિત્ર આપણને પ્રેરણાનાં પિયૂષ પૂરા પાડે છે ત્યારે ધનરાજભાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ  આ પુસ્તક  રાઇટ જોબ  એટ રાઈટ ટાઈમ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસિડન્ટ શ્રી ધનરાજભાઇ નથવાણીએ પુસ્તકના વિચાર અંગે જણાવ્યું કે, દ્વારકા વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે અને લોકોની શ્રધ્ધાને પોષતા વધુને વધુ દ્વારકાધીશના ભજન અને દ્વારકાધીશની પ્રિય એવી પીછવાઇ લોકો સુધી પહોંચે તેવા ખ્યાલમાંથી આ પુસ્તક સર્જનનો વિચાર આવ્યો હતો. જાણીતા ગાયકો સર્વ શ્રી પાર્થિવ ગોહિલ, મોસમ-મલકા, કિંજલ દવે, કિર્તિદાન ગઢવીએ ભક્તિ સંગીત રજૂ કર્યું  હતું. કાજલ ઓઝા વૈદ્યે કાર્યક્રમની ભૂમિકા બાંધી સમગ્ર પુસ્તકના સર્જનની વાત કરી હતી.

આ વિમોચન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, અન્ન, નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સના સિનિયર ગૃપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઇ નથવાણી, ભા.જ.પા. અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ શ્રી પૂનમ માડમ, જય શાહ, દ્વારકેશલાલજી મહારાજ, અનંત અંબાણી તથા લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.