Western Times News

Gujarati News

ચીન સાથેની વાટાઘાટો સફળ થઇ નથી: રાજનાથ સિંઘ

નવી દિલ્હી, ભારતની લદ્દાખ સરહદે ચીન સાથે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવ દરમિયાન થયેલી વાટાઘાટોનું કોઇ સચોટ પરિણામ આવ્યું નથી એવી સ્પષ્ટતા કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે કરી હતી.

આજે સવારે મિડિયા સાથે બોલતાં તેમણે કહ્યું કે એક કરતાં વધુ તબક્કાની વાટાઘાટો આપણે ચીન સાથે કરી હતી પરંતુ એનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. ચીન સાથે હજુ આપણે વાટાઘાટો કરી રહ્યા છીએ. લશ્કરના અધિકારી લેવલની ચર્ચા ટૂંક સમયમાં થવાની છે. અત્યાર સુધી જે ચર્ચાઓ થઇ એનું કોઇ પોઝિટિવ કે નક્કર પરિણામ આવ્યું નથી. પરિસ્થિતિ આજે પણ પહેલાં જેવી તનાવયુક્ત રહી હતી.

તેમણે કહ્યું કે કોઇ દેશ બળપૂર્વક પોતાની વિસ્તારવાદી નીતિનો અમલ કરે તો એને જડબાતોડ જવાબ આપવાની શક્તિ આપણી પાસે ચે. આપણે સામેથી કોઇના પ્રદેશમાં ઘુસણખોરી કરતા નથી કે કોઇની જમીન પચાવી પાડવાના પ્રયાસ કરતા નથી. ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ મામલે ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. ચીન લાંબા સમયથી આપણા પ્રદેશ પર કબજો જમાવવાના પ્રયાસો કરી રહ્યું હતું. પરંતુ હવે ભારત સરકારે પોતાના લશ્કરને પણ પૂરી છૂટ આપી હતી કે આપણા સીમાડે કંઇ થાય તો લશ્કર પોતાની રીતે એનો સામનો કરે. ભારત પોતાના નાગરિકોના અને સ્થાવર સંપત્તિના રક્ષણ માટે તૈયાર રહ્યું છે. આપણે કોઇના પર આક્રમણ કરવા માટે નહીં પરંતુ સ્વરક્ષણ માટે આપણા લશ્કરને સદૈવ તૈયાર રાખ્યું હતું.

અત્રે એ નોંધવું જોઇએ કે આ વર્ષના એપ્રિલથી ચીન ભારતની લદ્દાખ સરહદે અટકચાળા કરી રહ્યું હતું અને એક કરતાં વધુ વખત ચીની લશ્કરે ભારતીય ધરતી પર ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. દરેક વખતે ભારતીય લશ્કરે ચીની સૈનિકોને ખદેડી નાખ્યા હતા અને પોતાની સરહદ પર ચોકી પહેરો જમાવ્યો હતો. અત્યારે પણ બંને દેશના લશ્કરના મોટા સંખ્યાના જવાનો સરહદ પર તહેનાત હોવાનું જોઇ શકાય છે. ચીન પોતાની જૂની ટેવ મુજબ એક તરફ વાટાઘાટ કરવાનું નાટક કરે છે અને બીજી બાજુ એનું લશ્કર ઘુસણખોરીના પ્રયાસ કરે છે. આ વખતે ચીનની આ નીતિનો ભારતીય લશ્કરે દ્રઢતાપૂર્વક પ્રતિકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.