Western Times News

Gujarati News

યુવા કેદીને જેલમાં સર્જનાત્મક પ્રવૃત્તીમાં લગાવોઃ હાઈકોર્ટ

અમદાવાદ,  પાસાના કાયદા હેઠળના અટકાયતી આદેશને રદ કરવાની અને યુવાન વયના આરોપીને મુક્ત કરવાની દાદ માગતી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે આરોપી માથાભારે છે અને તે અકારણે જ સમાજ અને તેમાં રહેતા નાગરિકોને હેરાન કરી છે ભયભીત કરે છે તેથી ઓથોરિટીને તેની સામે પાસા હેઠળ કરેલી કાર્યવાહીમાં કોર્ટ હસ્તક્ષેપ કરવાનું ઉચિત ગણતી નથી.

પરંતુ તેની સાથે સાથે અરજદાર આરોપીની અત્યંત યુવાવસ્થાને ધ્યાનમાં રાખતાં ઓથોરિટીને આદેશ કરે છે કે તેને જેલની અંદર સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં લગવાવામાં આવે. જેથી એ જ્યારે જેલમાંથી બહાર આવે તો પોતાનું ભવિષ્ય સુધારી શકે. આ પ્રકારનો આદેશ કરી અરજદારની રિટ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી.

આ કેસમાં આરોપી વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે જુદીજુદી ફરિયાદો નોંધાઇ હતી. જેમાં એવું સામે આવ્યું હતું કે આરોપી નાની ઉંમરનો છે પરંતુ માથાભારે છે. તે ખતરનાક હથિયારો રાખે છે અને ગુનાઓને અંજામ આપે છે. તેથી તેની વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બંને ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કાયમી જામીન પણ મળી ગયા હતા. પરંતુ ત્યારબાદ માથાભારે શખ્સ હોવાથી ઓથોરિટીએ તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટમાં તેના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘અરજદારને ખોટી રીતે કેટલાક ગુનાઓમાં ચીતરી કાઢવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર દ્વારા પાસા હેઠળ તેની અટક કરવાનો જે આદેશ અને કાર્યવાહી કરવામાં આવી છે એ પણ બદઇરાદા પૂર્વકની અને સત્તાનો દુરુપયોગ છે. તેની વિરુદ્ધ કોઇ પુરાવા કે મટિરિયલ પણ નથી કે તેની આવા કોઇ કથિત ગુનામાં સંડોવણી છે. તેણે જાહેર કાયદા વ્યવસ્થાનો ભંગ કર્યો નથી તેથી કોર્ટે હસ્તક્ષેપ કરવો જાેઇએ અને પાસાની કાર્યવાહી રદ કરવી જાેઇએ.’

હાઇકોર્ટે બંને ફરિયાદોમાં નોંધવામાં આવેલી હકીકતો સહિતના મટિરિયલને ધ્યાનમાં લઇ નોંધ્યું હતું કે, સોસાયટીમાં વગર કામે નહીં બેસવા અને જાેરથી અવાજ નહીં કરવાનું કહેવા માત્રથી આરોપી અને જેતે વ્યક્તિ પર તૂટી પડ્યા હતા અને ભોગ બનનારમાં એક મહિલા પણ હતી. બીજા મામલે આરોપી તલવાર હાથમાં લઇને દેખાયો હતો અને બે વ્યક્તિઓ પર તેમણે હુમલો કર્યો હતો. આ ઘટનાઓથી જણાય છે કે આ એક એવો કેસ છે જેમાં યુવાવસ્થામાં આરોપી અરજદાર ગેંગ બનાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હતો અને નાની-નાની વાતોમાં લોકોને વિના વાંકે ઇજા પહોંચાડતો હતો. તેથી કોર્ટ પાસા હેઠળની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.